ગોધરા મામલતદાર કચેરીની ATVT શાખામાં ઓપરેટરો ગેરહાજર:મતદાન સુધારણા કાર્યક્રમથી પ્રજાલક્ષી સેવાઓ ખોરંભે

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી મામલતદાર કચેરીની ATVT (એક્ટિવિટી) શાખામાં આજે વહીવટી તંત્રની બેદરકારી સામે આવી હતી. મતદાન સુધારણા કાર્યક્રમના બહાને ATVT શાખાના ઓપરેટરો ગેરહાજર રહેતા સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કામગીરી ખોરંભે પડી હતી. જેના કારણે દૂર-દૂરથી આવેલા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, હાલ મતદાન સુધારણા કાર્યક્રમની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે પ્રજાલક્ષી સેવાઓ પર અસર પડી હતી. ATVT શાખાના ઓપરેટરો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને સળંગ ત્રણ કલાક સુધી પોતાની સીટ પરથી ગેરહાજર રહ્યા હતા. પરિણામે, વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો કઢાવવા આવેલા તાલુકાના ગ્રામજનો અટવાયા હતા. નોંધનીય છે કે, હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો અને શ્રમિકો પોતાના ખેતરનું કામ અને પાક લેવાનો કિંમતી સમય ફાળવીને, ભાડા ખર્ચીને મામલતદાર કચેરીએ આવતા હોય છે. પરંતુ અહીં અધિકારીઓના અભાવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. અરજદારોની હાલાકી અને લાંબી કતારોની જાણ મીડિયાને થતા મીડિયાકર્મીઓ તાત્કાલિક મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. મીડિયાના કેમેરા અને પ્રશ્નો શરૂ થતાની સાથે જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે એક ઓપરેટરને સીટ પર બેસાડી કામગીરી પુનઃ શરૂ કરાવવામાં આવી હતી.આ ઘટના સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી સેવાઓ પ્રત્યેના વલણ અને મીડિયાની ભૂમિકાને ફરી એકવાર ઉજાગર કરે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *