ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ ફરી શરૂ કરવા રહીશોની માંગ:વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને કરાઈ રજૂઆત

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ગોધરા શહેરમાં ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીના કારણે લાલબાગ બસ સ્ટેન્ડને હંગામી ધોરણે ભુરાવાવ એસ.ટી. વર્કશોપ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ નિર્ણયથી મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ બસ સ્ટેન્ડને સત્વરે પુનઃ શરૂ કરવા વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પંચમહાલ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, હંગામી ધોરણે શરૂ કરાયેલું બસ સ્ટેન્ડ મુખ્ય રોડથી 500 થી 600 મીટર અંદર આવેલું છે. જ્યાં મુસાફરો માટે બેસવાની કે છાયડાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. ઉનાળાની ગરમી અને ચોમાસામાં લોકોને ખુલ્લામાં ઊભા રહેવું પડે છે, જેનાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, શહેરના મધ્યમાં આવેલા લાલબાગ બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન, કોર્ટ, કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓ નજીક પડતી હતી. જ્યારે હાલના હંગામી બસ સ્ટેન્ડથી આ સ્થળોએ જવા માટે રિક્ષાચાલકો મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલી રહ્યા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક બોજ સહન કરવો પડે છે. લાલબાગ બસ સ્ટેન્ડની આસપાસ વર્ષોથી ધંધો કરતા નાના-મોટા વેપારીઓની હાલત પણ કફોડી બની છે. બસ સ્ટેન્ડ સ્થળાંતરિત થતા ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે, જેના પરિણામે અનેક વેપારીઓના રોજગાર પડી ભાંગ્યા છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. અરજદારોએ જણાવ્યું હતું કે ફ્લાયઓવરનું કામ પોલીસ હેડક્વાર્ટર સુધીનું છે, જ્યારે લાલબાગ બસ સ્ટેન્ડ તે વિસ્તારની બહાર આવે છે. ત્યાં જવા માટે ડબલ ટ્રેક રોડ અને બ્રિજ ઉપલબ્ધ હોવાથી ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાતી નથી. ઉલટાનું, ભુરાવાવ ચોકડી પર ટ્રાફિક જામ થવાના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી. છેલ્લા 46 વર્ષથી (1981-82 થી) કાર્યરત લાલબાગ બસ સ્ટેન્ડને ફરીથી મૂળ જગ્યાએ ચાલુ કરવા માટે સ્થાનિકોએ તંત્રને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *