સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ‘સરદાર@150 યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત’ના સૂત્ર સાથે આ અભિયાન 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે, ગોધરા વિધાનસભા વિસ્તારમાં પણ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરમાં આ યુનિટી માર્ચ સરદારનગર ખંડ ખાતેથી શરૂ થઈ હતી. તે શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં 562 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ માર્ચનો મુખ્ય હેતુ દેશની એકતા, અખંડતા, સમરસતા અને રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરવાનો હતો. આ માર્ચમાં સ્થાનિક લોકો, વિવિધ સમાજના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. માર્ચની સુચારુ વ્યવસ્થા માટે સ્થાનિક પ્રશાસન, પોલીસ તંત્ર અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. યુનિટી માર્ચનું સમાપન ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે થયું હતું. અહીં રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, ગોધરા પાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને વિવિધ સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચ:562 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો, આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે એકતા યાત્રાનું સમાપન
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
