સંજેલી તાલુકાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલ ઢેઢીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં 21મી સદીમાં પણ લોકોને ઇન્ટરનેટ જેવી પાયાની સુવિધા માટે ફાંફા મારવા પડી રહ્યા છે. જંગલ અને ડુંગર વિસ્તારમાં પથરાયેલા ઢેઢીયા, ગલાનાપડ, કડવાનાપડ, વાણીયાઘાટી, અને ઢેઢીયાનળો સહિતની વસાહતોમાં પાંચ હજાર ઉપરાંતની વસ્તી ઇન્ટરનેટના અભાવે સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી રહી છે. વર્તમાન ડિજિટલ યુગમાં સરકારની તમામ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે. પરંતુ ઢેઢીયા વિસ્તારમાં ઇન્ટરનેટના સિગ્નલ ન હોવાથી શાળા, આંગણવાડી કેન્દ્ર, પંચાયત ઘર, સસ્તા અનાજની દુકાનો અને આરોગ્ય કેન્દ્ર જેવા સરકારી ભવનોનું કામકાજ ખોરવાયું છે. પંચાયત ઘરમાં જાતિ-આવકના દાખલા, ખેતીની નકલો, ખેડૂત સહાય યોજનાઓ અને ટેકાના ભાવ મેળવવાની અરજીઓ ઓનલાઈન કરવાની હોય છે. તે જ રીતે શાળાઓમાં બાળકોની હાજરી અને મધ્યાહન ભોજનનું સંચાલન પણ ઓનલાઈન કરવું પડે છે. વ્યાજબી ભાવની દુકાનોમાં તો ફરજિયાત ઓનલાઈન પદ્ધતિ સિવાય ગ્રાહકોને અનાજ વિતરણ કરી શકાતું નથી. જેનાથી ગરીબ પરિવારોને ભારે હાલાકી વેઠવી પડે છે. આટલી મોટી વસ્તી ધરાવતા અનેક ગ્રામીણ વિસ્તારો હોવા છતાં ઢેઢીયા વિસ્તારમાં કોઈ પણ કંપનીના ઇન્ટરનેટ ટાવર ઊભા કરવામાં આવ્યા નથી. ઇન્ટરનેટ સુવિધાના અભાવે સ્થાનિક યુવાનોના શિક્ષણ અને રોજગાર પર પણ વિપરીત અસર પડી રહી છે. સ્થાનિકોની આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સરપંચ, પંચાયત સભ્યો અને ગ્રામજનોએ આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરી છે.
ગ્રામસભામાં ટાવર માટે ઠરાવ:ઢેઢીયા પંચાયતમાં ઇન્ટરનેટ સુવિધાનાઅભાવે 5000થી વધુ લોકો પરેશાન
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
