પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટે ચેક રિટર્ન કેસમાં ભુજના વેપારી અઝીમાં ઇશાક સુમરા (બકાલી)ને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને ₹19 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. મેજિસ્ટ્રેટ નૌશાદ વી. પઠાણે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, આરોપીએ પૂરતું ભંડોળ ન રાખીને ચેક નકારાવી ગુનો કર્યો છે. આવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને જો આવા આરોપીઓ પ્રત્યે રહેમનજર રાખવામાં આવે તો કાયદાનો ડર રહેતો નથી. કેસની વિગતો અનુસાર, ફરિયાદી રમેશભાઈ પ્રજાપતિ (પાટણ) જ્યારે ભુજમાં અભ્યાસ અને નોકરી કરતા હતા, ત્યારે તેમનો આરોપી અઝીમાં ઇશાક સુમરા સાથે પરિચય થયો હતો. આરોપી ભુજમાં ઇલેક્ટ્રોનિક આઇટમની દુકાન ચલાવતો હતો. ધંધામાં પૈસાની જરૂર પડતાં, આરોપીએ ફરિયાદી પાસેથી ₹19 લાખની રકમ 15 ડિસેમ્બર, 2019ના રોજ ઉનાવા મિરાંદાતાર ખાતે એક મહિનામાં પરત આપવાના વાયદે હાથ ઉછીના લીધા હતા. એક મહિના પછી ફરિયાદીએ રકમ પરત માંગતા, આરોપીએ 27 જાન્યુઆરી, 2020નો ₹19 લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પાટણની બેંક શાખામાં જમા કરાવતા તે વટાવ્યા વિના પરત ફર્યો હતો. ત્યારબાદ, ફરિયાદીએ તેમના વકીલ પીયૂષભાઈ એમ. રાઠોડ મારફત નોટિસ આપી અને પાટણની કોર્ટમાં ચેક કેસ દાખલ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળીને આરોપીને ઉપરોક્ત સજા અને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે આરોપીની પારિવારિક જવાબદારીઓને પણ ધ્યાનમાં રાખીને ન્યાયનો હેતુ જળવાઈ રહે તે રીતે ચુકાદો આપ્યો છે.
ચેક રિટર્ન કેસમાં પાટણ કોર્ટનો ચુકાદો:ભુજના વેપારીને ₹19 લાખ વળતર ચૂકવવાનો આદેશ, 1 વર્ષની સાદી કેદ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
