યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા યુવા લેખકો માટે 1971થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં 9 થી 15 વર્ષના યુવા લેખકોને ચોક્કસ થીમ પર પત્ર લેખન માટે પ્રોત્સાહિત કરે છે. આ સ્પર્ધા યુવાનોને સમાજમાં ટપાલ સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકાથી પરિચિત કરવાનો ઉત્તમ માર્ગ છે. જે તેમની લેખન માટેની વૈચારિક ક્ષમતા, રચનાત્મક વિચારો અને તેમના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની ક્ષમતા વિકસાવે છે. આ વર્ષે 54માં આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા-2025ની થીમ કલ્પના કરો કે તમે સમુદ્ર છો. તમે કોઈને પત્ર લખો અને સમજાવો કે લોકોએ તમારી સારી સંભાળ કેમ અને કેવી રીતે રાખવી જોઈએ નક્કી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાંથી એન્ટ્રીઓ આવી હતી. જેમાં જામનગરની એરફોર્સ સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થીની સોનલ આર. ડેરએ ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેના અનુસંધાને અભિજીત સિંહ, અધિક્ષક જામનગર ટપાલ મંડળ તેમજ ઉમેશચંદ્ર પંડિત આચાર્ય એર ફોર્સ સ્કૂલ, જામનગર દ્વારા એરફોર્સ સ્કૂલમાં સન્માન સમારોહનું આયોજન કરી રૂા. 10,000નો ચેક તેમજ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ તેમજ સર્ટિફિકેટ આપીને સન્માનીત કરાયા હતાં. રાષ્ટ્રીય સ્તરના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે રૂા. 50,000, રૂા. 25,000 અને રૂા. 10,000 સાથે સર્ટિફિકેટ આપીને સન્માનીત કરાયા છે. જ્યારે રાજ્ય સ્તરના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે રૂા. 25,000, રૂા. 10,000 અને રૂા. 5,000 સાથે સર્ટિફિકેટ આપીને સન્માનીત કરવામાં આવ્યા છે.
ચેક-સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરાઇ:આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધામાં જામનગરની વિદ્યાર્થીની સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમે ઝળકી
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
