છબરડા બહાર આવતા તારીખમાં બદલાવ:BCAનું પ્રોગ્રામિંગ ઇન પાયથોન વિષયનું પેપર 22મીએ લેવાશે

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

યુનિવર્સિટીની બીસીએની પરીક્ષામાં તાજેતરમાં જ છબરડા બહાર આવ્યા હતા જેમાં ઇન્ટર્નલ પરીક્ષાનું પેપર જ ફાઈનલ પરીક્ષામાં પૂછી લેતા વિવાદ થયો હતો, પરંતુ હવે આ પેપર રદ કરી દેવામાં આવ્યું છે અને આ વિષયની પરીક્ષા આગામી તારીખ 22 નવેમ્બરે લેવામાં આવશે. બીસીએ સેમેસ્ટર-5માં પ્રોગ્રામિંગ ઇન પાયથોન વિષયનું પેપર હવે 22મીએ સવારે 10.30 કલાક દરમિયાન લેવાશે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, બી.સી.એ. સેમે-5ની (NEP-2020) થિયરી પરીક્ષાનું આયોજન તા. 11 નવેમ્બરથી થયું હતું. જેમાં તા.12 નવેમ્બરના વિષયનું પ્રશ્નપત્ર એક સરખું પૂછાતા તે તારીખનું થિયરીનું પેપર રદ કરાયું છે. તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ થયેથી તા.22 નવેમ્બરના રોજ પરીક્ષાનું પુન: આયોજન કરવામાં આવ્યું છે. કોલેજમાં બી.સી.એ. સેમેસ્ટર-5ની તા.12ના પેપરની પરીક્ષાનું આયોજન તા.22મીએ સવારે 10.30 કલાકે રાખવામાં આવ્યું છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન BCA સેમેસ્ટર-5ના પ્રોગ્રામિંગ ઇન પાયથોન વિષયના પેપર દરમિયાન પરીક્ષા વિભાગનો મોટો છબરડો બહાર આવ્યો હતો. આ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ હાજર ન હોવાથી તેમના ઈન્ચાર્જ રજિસ્ટરને આવેદન આપી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *