જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવી અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકનાર એક શખ્સને ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢ્યો છે. તેની સામે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. લાલવાડી આવાસમાં રહેતા આશિષ રમેશભાઈ ડાભી નામના યુવકે ગત 14મી તારીખે ખોડીયાર કોલોનીથી સાત રસ્તા તરફના માર્ગે પૂરપાટ ઝડપે બાઇક ચલાવ્યું હતું. તેની આ બેદરકારીભરી ડ્રાઇવિંગથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. આ ઘટના જામનગર પોલીસના કમાન્ડ કંટ્રોલ વિભાગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ટ્રાફિક શાખાની ટીમે ફૂટેજની મદદથી વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે આશિષ ડાભીને શોધી કાઢ્યો હતો. ટ્રાફિક શાખાએ તેને બોલાવી પૂછપરછ કરતા તેણે 14મી તારીખે બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યાની કબૂલાત કરી હતી. ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ વાળાએ તેનું GJ 10 DL 2052 નંબરનું બાઇક જપ્ત કર્યું હતું. આશિષ ડાભી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરમાં બેફામ બાઇક ચાલક CCTVથી ઝડપાયો:ખોડીયાર કોલોની માર્ગે જીવ જોખમાવનાર સામે ગુનો નોંધાયો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
