જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં NHM (નેશનલ હેલ્થ મિશન) અંતર્ગત અલગ અલગ 15 કેડરની 42 ખાલી જગ્યા માટે 11 મહિનાની કરાર આધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ છે. ભરતીની જાહેરાત બાદ કુલ 5426 અરજી આવી હતી. જેની સ્ક્રુટીની કરતા 1724 માન્ય રહી હતી અને 3699 અરજી અમાન્ય કરવામાં આવી હતી. 15 નવેમ્બરે આ કામગીરી પૂર્ણ કરી દેવાની હતી. 42 જગ્યા માટે 1724 ઉમેદવારો ક્વોલિફાય થતા હોવા છતા ભરતી કમિટીએ જે ઉમેદવારો અમાન્ય થયા છે તેઓને ડોક્યુમેન્ટની પૂર્તતા કરવા માટે 24 નવેમ્બર સુધીની મુદ્દત વધારી અપાતા વિવાદ થયો છે. આ ભરતીમાં લાગતા વળગતાઓને ગોઠવવા કોઈ કાર્યાલય આદેશ વગર જ મુદતમાં વધારો કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે, ઈન્ચાર્જ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે, કોઈ ઉમેદવારો ભૂલથી ડોક્યુમેન્ટ અપલોડ કરતા ભૂલી ગયા હોય તો તેઓને સમાન તક મળે તે માટે મુદતમાં વધારો કરાયો છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 15 કેડરની 42 જગ્યા માટે કરાર આધારિત ભરતી
જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અલગ અલગ 15 કેડરની ખાલી પડેલી 42 જગ્યાઓ માટે 11 મહિનાના કરાર આધારિત ભરતીની જાહેરાત કરી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. 42 જગ્યા માટે કુલ 5426 અરજીઓ મળી હતી. જેની સ્ક્રુટીની કરાતા 1724 અરજી માન્ય રાખવામાં આવી હતી. જ્યારે બાકીની 3699 અરજીમાં અધૂરા ડોક્યુમેન્ટ કે અન્ય ક્ષતિ હોય રિજેક્ટ કરવામાં આવી હતી. જગ્યા સામે પૂરતી સંખ્યામાં અરજીઓ આવી હોવા છતા મુદત વધારાતા વિવાદ
આરોગ્ય વિભાગની કરાર આધારિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત 15 નવેમ્બર હતી. 42 જગ્યાની સામે વિભાગને 1700થી વધુ અરજીઓ મંજૂર પણ થઈ ગઈ હતી. તેમ છતાં જે અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી તેઓ માટે કમિટીએ કોઈ કાર્યાલય આદેશ વગર જ મુદતમાં વધારો કરી દેવાતા વિવાદ સર્જાયો છે. જે ઉમેદવારોની અરજી રિજેક્ટ થઈ છે તેઓને આરોગ્ય વિભાગ દ્વારા મેઈલ કરી ખૂટતા ડોક્યુમેન્ટ પૂરા પાડવા માટે જાણ કરવામાં આવી રહી છે. ઉમેદવારોને 14/11/2025 ના બપોરે 21:59 વાગ્યાથી 24/11/2025 ના રાત્રીના 11:59 કલાક સુધી મોકલવા માટેનો સમય આપવામાં આવ્યો છે. માનીતા ઉમેદવારોને ગોઠવવા મુદતમાં વધારો કરાયો હોવાનો આક્ષેપ
ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનારા સામાજિક આગેવાન દેવદાનભાઈ મુછડિયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી પોતાના માનિતા અને લાગતા વળગતા ઉમેદવારો નાપાસ કે ડિસ્ક્વોલિફાઇડ થયા હોવાના કારણે ફરીથી કરવામાં આવી રહી છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે, આ વિભાગ દ્વારા જે ઉમેદવારોને પાસ કરવાના હોય તે ઉમેદવારો પણ ક્વોલિફાઇડ ન થયા હોય તેથી પોતાના માનિતા ઉમેદવારો બીજી વખત આ ભરતી પ્રક્રિયામાં જોડાઈ તે માટે આ કાર્યવાહી કરાવી હોય તેવી પૂરી શક્યતા છે. મુછડિયાએ એમ પણ કહ્યું કે, ઘણા મોટા માથાઓના સંતાનો હોય કે મોટી રાજકીય વગ ધરાવતા લોકોનું દબાણ અધિકારીઓ પર હોય, જેથી આ ભરતી પ્રક્રિયા ફરીથી કરવી પડતી હોય. આ ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાની પૂરી સંભાવના છે- નિખિલ ચૌહાણ
બહુજન વિકાસ ફોજ સંયોજક નિખિલ ચૌહાણએ પણ આ વાતનું સમર્થન કરતા જણાવ્યું કે, “આ ભરતી પ્રક્રિયામાં 15/11/2025 સુધી કાર્યાલયના આદેશો મુજબ ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં, આરોગ્ય અધિકારી જાણે કે કોઈ ચમત્કાર કરી રહ્યા હોય તેમ અનક્વોલિફાઇડ કરેલા ઉમેદવારોને પણ આરોગ્ય વિભાગ દ્વારા મેલ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ આ ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાની પૂરી સંભાવના છે. એક તરફ બેરોજગારી ચરમસીમાએ છે અને શિક્ષિત બેરોજગાર યુવાનો નોકરી માટે અરજી કરવા ₹200 થી ₹250 જેટલો ખર્ચો કરે છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી પોતાના ઘરની મનમાની ચલાવી જે 3,400 થી વધુ ઉમેદવારોને અન્ય કારણોસર રિજેક્ટ કરવામાં આવ્યા છે, તેને પણ ફરી આ ભરતી પ્રક્રિયામાં વાંધા અરજી રજૂ કરવા મેઈલ કરી રહ્યા છે. આ સમગ્ર બાબત પરથી આ ભરતી પ્રક્રિયાને લઇ આર્થિક લેવડદેવડ પણ કરવામાં આવતી હોય તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે. અગાઉ પણ જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ અનેક વખત ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાયું છે અને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) માં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો કરાયા હતા. આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું- ‘મુદત વધારવા માટે કોઈ લેખિત આદેશ નથી કરાયો’
જ્યારે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આ મુદ્દે ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી મનોજ સુતરિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કબૂલ્યું કે, “24/11/2025 સુધી અરજી કરવાનો કોઈ લેખિત આદેશ નથી.તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ આદેશ અમારી પાસે લેખિતમાં થયો નથી, પરંતુ અમારી કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અમારી પાસે લેખિતમાં રોજકામ છે. આ ભરતી કમિટીમાં 6 જેટલા સભ્યો છે. લેખિત કાર્યાલય આદેશ વગર ભરતી પ્રક્રિયાની મુદત લંબાવવા અને અયોગ્ય ઉમેદવારોને ફરી તક આપવાનો આ નિર્ણય સીધો ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે તેવા આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે. ભરતી પ્રક્રિયાના કાર્યાલય પત્રમાં સહી કરનાર અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ તો આ સમગ્ર મામલે કંઈ પણ કહેવાનો સાફ ઇન્કાર કર્યો અને કહ્યું કે આ સમગ્ર મામલે અમારા ઉચ્ચ અધિકારી જ કહી શકે છે, મને તો માત્ર આદેશ કર્યો હોય તેનું પાલન કરવાનું હોય. આ સમગ્ર વિવાદિત ઘટનાક્રમ વચ્ચે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ.એસ. સાલવીએ ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીને ચાર્જ સોંપીને રજા પર ચાલ્યા ગયા છે. તમામને સમાન તક મળે તે માટે મુદતમાં વધારો કરાયો- ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી
ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી મનોજ સુતરિયાએ ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારતા પોતાનો બચાવ રજૂ કરતા જણાવ્યું કે, 5,426 અરજીઓમાંથી 1,724 અરજીઓને યોગ્યતા આપવામાં આવી છે અને 3,699 અરજીઓ અનક્વોલિફાઇડ થઈ છે. તેમણે વાંધા અરજી ફરી મંગાવવા અંગે જણાવ્યું કે ઘણા ઉમેદવારો કોઈના કોઈ કારણોસર ડોક્યુમેન્ટ અપલોડ કરી શક્યા ન હોય, કે કોઈ ગેરસમજના કારણે અન્ય ડોક્યુમેન્ટ જોડી શક્યા ન હોય, તેવા અરજદારો ફરી ડોક્યુમેન્ટ સબમિટ કરી શકે અને આવા ઉમેદવારોને ન્યાય મળી શકે તેવું ભરતી સમિતિમાં નક્કી કર્યા મુજબ ઇ-મેલ દ્વારા જાણ કરવામાં આવી છે. જોકે 1,700 જેટલા યોગ્ય ઉમેદવારો મળી ગયા હોવા છતાં અન્ય ઉમેદવારોને શા માટે મેઇલ કરવામાં આવ્યા તે મામલે તેમણે કહ્યું કે, લાયક ઉમેદવારને યોગ્ય તક મળે તે માટે આ મેઈલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આવો કોઈ નિયમ લાગુ પડે છે કે કેમ તે પૂછતાં અધિકારીએ કહ્યું કે આવો કોઈ નિયમ નથી, પરંતુ જુનાગઢ ભરતી કમિટીને લાગ્યું કે 1,700 જેટલા ઉમેદવારો લાયકાત ધરાવતા મળી ગયા હોવા છતાં અન્ય ઉમેદવારો રહી ગયા હોય તો તેને પણ તક મળવી જોઈએ.
જૂનાગઢ આરોગ્ય વિભાગમાં માનીતાઓને ગોઠવવા 'ખેલ' થયાનો આક્ષેપ:42 જગ્યા ભરવા 1724 ઉમેદવારો પાસ, અરજીની મુદત પૂર્ણ થયા પછી અમાન્ય ઠરેલા ઉમેદવારોને તક અપાતા વિવાદ
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
