- પ્રદુષણ અને ખેતી નુકસાન અંગેના અનેક પ્રશ્ને રાતોરાત સુનાવણી મોકૂફ રાખવાનો નિર્ણય
- 65 ગામડાના તલાટી અને સરપંચોને જાણ કરાઈ
- સુનાવણી સ્થળ પર પોલીસનો બંદોબસ્ત
વાલોડ તાલુકાના બાજીપુરા સુમુલ કેટલફીડ ફેકટરી પાછળ ટોકરવા ગામે કેમીકલનું ઉત્પાદનના નવા પ્રોજેકટ માટે 65 ગામોની પર્યાવરણીય લોક સુનવણીમાં ઉગ્ર વિરોધ સાથે મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વાલોડ તાલુકાના બાજીપુરાથી બુટવાડા થઇ વાલોડ જતા રસ્તા પર આવેલા સોલારીસ વુડ પ્રોડકટ પ્રા.લી.બ્લોક નંબર-54 ટોકરવા ગામે પ્રસ્તાવિત સીન્થેટીક ઓર્ગેનિક કેમીકલનું ઉત્પાદન ફીનોલ ફોર્માલ્ડીહાઇડ રેઝિન 520 મેટ્રીક ટન માસના ઉત્પાદન માટેની પરીયોજનાની પ્રસ્થાપિત માટેની દરખાસ્ત અન્વયેની પર્યાવરણીય લોક સુનવણી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 31મી માર્ચના રોજ રાખવામાં આવી હતી. જેમાં 65 ગામડાના તલાટી તથા સરપંચોને લોક સુનવણીમાં હાજર રહેવા જાણ કરવામા આવી હતી. કેમીકલ ફેકટરીના નવા યુનિટની સ્થાપનાથી ગામડાઓમાં પ્રદુષણ અને ખેતીને નુકશાન થવાની ભીતિ, પીવાના પાણીની સમસ્યા ઉભી થવાના પ્રશ્નોની રજુઆતો અને ભવિષ્યના ભયસ્થાનોને લઇ વાલોડ તાલુકાના આદિવાસી પંચો અને યુવકો દ્વારા 30 માર્ચથી જાહેરમા ઉગ્ર વિરોધ વંટોળ જોવા મળી રહ્યો હતો. બહોળી સંખ્યામા પ્રોજેકટના વિરોધમાં હાજર રહેવા માટે શોસિયલ મીડિયા મારફત જનજાગૃતિ શરુ થઇ હતી. બીજી તરફ સ્થાનિક પોલીસ પણ કાયદો અને વ્યવસ્થાના સુચારીતા માટે 30 માર્ચે બુહારી પોલીસ ચોકીમાં આદિવાસી પંચોના આગેવાનોને બોલાવી તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ મોડી રાતથી જ સુનવણીમા નવા પ્રોજેકટ સામે લોકો પોતાના ઉગ્ર વિરોધ કરશે અને વાતાવરણ ડળોળાવાની ભય સેવાઈ રહ્યો હતો. જેથી ગુરુવારે મોડી સાંજે મામલતદાર નેહા સવાણીએ ટોકરવા , તીતવા, ઇનમા, નનસાડ, બુટવાડા, કમાલછોડ, ખાંભલા, બેલધા, શાહપુર, શ્યાદલા, કહેર, વેડછી ગ્રામપંચાયતના સરપંચો અને તલાટીઓને અનિવાર્ય સંજોગોને કારણે લોક સુનવણી મોકુફ રાખવામા આવી હોવાની પત્રથી જાણ કરવામાં આવી હતી. છતા વિસ્તારના આદિવાસી યુવકો આગેવાનો લોક સુનવણી સ્થળ નજીક મોટી સંખ્યામા હાજર રહેતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો.
