ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારીના રેલવે ફાટક બંધ થયા બાદ પૂર્વથી પશ્ચિમ જવા એક ઓવરબ્રિજ, બે-બે અંડરબ્રિજ હોવા છતાં નિયમનના અભાવે રોજ એક અંડરબ્રિજ અને પૂર્વના સર્વિસ રોડ પર ટ્રાફિકજામ થવા સાથે હજારો લોકો હેરાન થઈ રહ્યા છે. નવસારીમાં દોઢ બે વર્ષ અગાઉ પૂર્વથી પશ્ચિમ તરફ જવા રેલવે ફાટક તો હતી, સાથે પ્રકાશ ટોકીઝ સામે અંડરબ્રિજ હતો જ્યાંથી વાહનચાલકો સરળતાથી અવરજવર કરતા હતા. ખાસ કરીને પૂર્વ બાજુએ રોડ પહોળો હોય મુશ્કેલી પડતી ન હતી. જોકે દોઢ બે વર્ષ અગાઉ ફાટક બંધ કરાઈ અને ઓવરબ્રિજ ધમધમતો થયો ત્યારથી સ્થિતિ બદલાઈ છે. ઓવરબ્રિજમાં પૂર્વથી પશ્ચિમ જવા સવા કિમીનો ચકરાવો હોય ખૂબ ઓછા વાહનો ઉપયોગ કરે છે. બીજું કે પ્રકાશ ટોકીઝ સામેના અંડરબ્રિજ ઉપરાંત વધુ એક અંડરબ્રિજ ઉત્તર બાજુ બનાવ્યો પણ તેનો ઉપયોગ પણ વધુ થતો નથી. આ સ્થિતિમાં મહત્તમ ભારણ પ્રકાશ ટોકીઝ સામેના અંડરબ્રિજમાં રહે છે. એથીય કપરી સ્થિતિ એ છે કે પશ્ચિમ બાજુ તો બ્રિજના એક નહી બે બે સર્વિસ રોડ છે પણ પૂર્વ બાજુ માત્ર એક સર્વિસ રોડ છે અને તે પણ ખૂબ સાંકળો છે,જેને લઈ દિવસ દરમિયાન આ સર્વિસ રોડ પર અવારનવાર ટ્રાફિક જામ થાય છે. અહીં મોટી સંખ્યામાં ઢોરની અવરજવર વળી સ્થિતિ વધુ વકરાવી છે. રાકેશભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે રોજ આવાગમન કરનારા માટે બ્રિજ પરથી પસાર થવું મુશ્કેલ હોવાથી અંડરબ્રિજનો જ લોકો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી મુશ્કેલી વધી છે. નજીકના સમયમાં સમસ્યા ઉકેલાશે..
રેલવે ટ્રેકની પૂર્વ બાજુએ જે ટ્રાફિક સમસ્યા છે, તે બાબતે રિવ્યૂ થયો છે, પ્લાનિંગ પણ તે ઉકેલવા થઈ ગયું છે અને નજીકના દિવસોમાં આ સમસ્યા ઉકેલવા પગલા લેવામાં આવશે. > દેવ ચૌધરી, કમિશનર, મનપા, નવસારી રોડ પહોળો કરવા લાઇનદોરીનો હજુ અમલ નહીં
નવસારીમાં અગાઉ પાલિકા હતી ત્યારે રોડ પહોળા કરવા ચીફ ઓફિસર પાસે વધુ વિકલ્પ ન હતા પણ મહાપાલિકાએ શહેરમાં રોડ પહોળો કરવા અનેક વિસ્તારમાં લાઈનદોરી મૂકવાની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે,જેમાં આ પૂર્વ બાજુના પ્રકાશ ટોકીઝ નજીકના સાંકળા 5.25 મીટરના રોડને 7.50 મીટરનો કરવાની નેમ વ્યક્ત કરાઇ છે. નોટિસ મે મહિનામાં જારી થઈ હતી પણ અમલ થયો નથી. ફૂટ બ્રિજ નહોવાથી પણભારણ વધ્યું
નવસારીમાં અગાઉ રેલવે ફાટક હતી ત્યારે પૂર્વથી પશ્ચિમ પગપાળા જનારા લોકો ફાટકનો જ ઉપયોગ મોટેભાગે કરતા હતા. જો કે ફાટક બંધ થયા બાદ પગપાળા જનારા માટે વિકલ્પ વધુ રહ્યાં નથી. પગપાળા જનારા પણ પૂર્વના સર્વિસ રોડ થઇ અંડરબ્રિજ થઇ એકથી બીજી તરફ જઇ રહ્યાં છે જેના કારણે પણ અંડરબ્રિજ અને પૂર્વના સર્વિસ રોડ પર ભારણ વધ્યું છે.
ટ્રાફિકજામની સમસ્યા વકરી:નવસારી બ્રિજ પર 1.3 કિ.મી.ના ચકરાવાનેલઇ જૂના અંડરબ્રિજ પર ભારણથી ટ્રાફિકજામ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
