સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પહેલા પુત્ર પર અને ત્યાર બાદ પિતા પર કિશોરે હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે ડિંડોલી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે. 15 વર્ષના સગીરે બાળક પર હુમલો કર્યો હતો
નવાગામ ડિંડોલીમાં સાઇનાથ સોસાયટી ખાતે રહેતા અને વેપાર કરતા શરદ ઈશ્વરભાઈ પાટીલ (ઉ.વ. 35)ના 10 વર્ષના પુત્ર સાથે આ ઘટનાની શરૂઆત થઈ હતી. શરદભાઈનો પુત્ર ધોરણ-6માં અભ્યાસ કરે છે. તારીખ 15 નવેમ્બર 2025ના રોજ બપોરે લગભગ સાડા ત્રણેક વાગ્યાના સુમારે શરદભાઈનો પુત્ર સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહ્યો હતો. તે વખતે મોતી એસ્ટેટ-1, નવાગામ સ્થિત એક ઓટલા પર બેઠેલા 15 વર્ષના કિશોરે આ બાળકને કોઈપણ કારણ વગર ઊભો રાખી ઝઘડો કરવા લાગ્યો. કિશોરે હાથમાં રહેલા ચપ્પુ જેવા સામાન વડે બાળકને માર્યો હતો, જેનાથી ડરીને બાળક ત્યાંથી ભાગી ગયો અને ઘરે આવીને માતાને સમગ્ર ઘટનાની જાણ કરી. કિશોરના મામાની બાળકના પિતા સાથે બોલાચાલી
હુમલાના બાદ બાળકના માતાએ આ બાબતે કિશોરના પરિવારને ફરિયાદ કરી હતી. બીજા દિવસે કિશોરે બાળકના માતાને પણ ધમકી આપી હતી. શરદ પાટીલ સાંજે સાતેક વાગ્યાના સુમારે તેમના પુત્ર સાથે થયેલી ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવા માટે મોતી એસ્ટેટ સોસાયટી ગયા હતા. જ્યારે તેઓ મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યા હતા, ત્યારે ત્યાં અન્ય એક વ્યક્તિ જે કિશોરના મામા છે તે આવી ગયો અને સી.સી.ટી.વી. રેકોર્ડિંગ જોવા લાગ્યો. શરદભાઈએ તેમને તેમના પુત્રને ચપ્પુથી કેવી રીતે મારવામાં આવ્યું તે જોવા માટે કહેતા, કિશોરના મામાએ તેમની સાથે બોલાચાલી શરૂ કરી. હુમલાખોર કિશોરનો બાળકના પિતા પર ચપ્પુથી હુમલો
તે દરમિયાન 15 વર્ષનો કિશોર પણ ત્યાં આવી ગયો. આરોપી કિશોરે શરદભાઈને કહ્યું કે, “મારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા માંગો છો? તમારે જે કરવું હોય તે કરી લો. હું તમને જોઈ લઈશ. તમારો છોકરો પણ અહીંથી સ્કૂલે જતો હોય છે અને તમારા પત્નીને પણ જોઈ લઈશ,” તેમ કહી ધમકી આપવા લાગ્યો. તયાર બાદ કિશોરે શરદભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી અને તેના ખિસ્સામાં રહેલ ચપ્પુ કાઢીને શરદભાઈને ડાબી આંખના ભાગે માર્યું, જેના કારણે તેમને ઈજા થઈ અને લોહી નીકળ્યું. કિશોર બીજી વખત પણ મારવાની કોશિશ કરતા શરદભાઈએ ચપ્પુ પકડી લીધું, જેના કારણે તેમને ડાબા હાથની હથેળીના ભાગે પણ સામાન્ય ઈજા થઈ. આ દરમિયાન કિશોરે શરદભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. કિશોર મામાએ પણ શરદભાઈ સાથે ગાળાગાળી કરીને ઢીક-મુક્કીનો માર માર્યો હતો. લોકોનું ટોળું ભેગું થતાં બંને ત્યાંથી ભાગી ગયા હતા. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હુમલાખોર કિશોર સામે ફરિયાદ
શરદભાઈને આંખ પાસે ઈજા થતાં લોહી નીકળતું હોવાથી તેઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને ડાબી આંખની નીચેના ભાગે બે ટાંકા લઈ સારવાર આપી રજા આપી હતી. ઘટનાની ગંભીરતા જોતા, શરદભાઈ પાટીલે તેમના ભાઈઓ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કિશોર અને તેના મામા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોલાચાલી બાદ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ડિંડોલીમાં કિશોરનો આતંક, બાળક બાદ પિતા પર હુમલો:બાળક પર થયેલા હુમલાના CCTV જોતા પિતા પર ચપ્પુથી હુમલો કર્યો, આંખ પાસે ઈજા થતાં બે ટાંકા લેવાયા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
