ડિસેમ્બર પૂર્વે કામગીરી પૂર્ણ કરવા BLOને પ્રેસર:સિટી મામલતદાર કચેરીમાં મહિલા બીએલઓની તબિયત લથડી પડી

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

હાલમાં ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આગામી ડિસેમ્બર માસ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવાના ટાર્ગેટ આપ્યા છે ત્યારે બીએલઓ પણ પ્રેશર સાથે દોડધામ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આજે સાંજે સીટી મામલતદાર કચેરી ખાતે એક મહિલા બીએલઓની અચાનક તબિયત લથડી જતા તાત્કાલિક 108 બોલાવી સારવાર આપવી પડી હતી. મતદાર યાદી ખાસ સઘન સુધારણાના ચાલી રહેલા કાર્યક્રમમાં ખાસ કરીને શિક્ષક, આંગણવાડી વર્કર, પીજીવીસીએલ, કોર્પોરેશન અને અન્ય સરકારી કચેરીઓના સ્ટાફને બીએલઓની જવાબદારી સોંપવામાં આવી છે તેમને કામગીરી માટે સતત માનસિક તણાવ રહેતો હોવાની પણ અસંખ્ય ફરિયાદો ઉઠી છે. જેની સામે બીએલઓને કામગીરી માટે સહાયક સહિતના સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ડિસેમ્બર પહેલા જ આ કામગીરી પૂર્ણ કરવા માટે ઉચ્ચકક્ષાએથી સતત દબાણ કરવામાં આવતા બીએલઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. અનેક કિસ્સાઓમાં તો મતદાર સ્થળ પર ન મળે તો 2002 ની મતદાર યાદીમાં મેપ નથી થતા તેમ કરી ઓનલાઇન તે મતદારોને ચડાવી દેવા માટે પણ સુચના આપવામાં આવે છે. જે આગામી દિવસોમાં મતદારોને નુકસાનકર્તા રહેશે. હાલમાં મતદાર યાદી સુધારણાની કામગીરીમાં ભાવનગર ગુજરાત રાજ્યમાં પ્રથમ 5 ક્રમાંક પૈકીમાં છે. ત્યારે પ્રથમ ત્રણમાં ભાવનગર રહે તેવા પણ વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *