હળવદના એક ડોક્ટર સાથે સ્ટોક એક્સચેન્જમાં રોકાણના નામે રૂ. 48.14 લાખની છેતરપિંડી થઈ છે. ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયા (39) એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સાત મોબાઈલ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ડોક્ટરનો સંપર્ક ફેસબુક મેસેન્જર પર ‘Irina Fedorova’ નામની આઈડી દ્વારા થયો હતો. તેમને સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરીને કમાણી કરવાની લોભામણી સ્કીમો સમજાવવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ ‘Y96 SIG Customer Service’ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને ડોક્ટરને તેમાં ઉમેર્યા. દીપક મલ્હોત્રા નામના આરોપીએ જુદી જુદી રોકાણ સ્કીમો સમજાવી, જ્યારે રોહિતસિંઘ નામના ગ્રુપ એડમિને અલગ અલગ બેંક ખાતા નંબર મોકલ્યા. ડોક્ટરે સમયાંતરે આ ખાતાઓમાં કુલ રૂ. 43,55,000 જમા કરાવ્યા. જ્યારે ડોક્ટરે પોતાની રોકાણ કરેલી રકમ પાછી ખેંચવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને સર્વિસ ટેક્સના નામે વધુ રૂ. 4,59,000 અલગ અલગ બેંક ખાતાઓમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું. આમ, તેમની પાસેથી કુલ રૂ. 48.14 લાખની ઠગાઈ કરવામાં આવી. ડોક્ટરની ફરિયાદના આધારે, મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા અને તેમની ટીમ ચલાવી રહી છે.
ડોક્ટર સાથે 48.14 લાખની ઠગાઈ:સ્ટોક એક્સચેન્જ રોકાણ સ્કીમના નામે છેતરપિંડી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
