તંત્ર દ્વારા કડક કાર્યવાહી‎:કથિત ભ્રષ્ટાચાર-યાત્રિકોને અસુવિધા મુદ્દે નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીઓને SDMની નોટીસથી ખળભળાટ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

સુપ્રસિધ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર ખાતે દરરોજ દેશ વિદેશમાંથી હજારો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શનાર્થે આવે છે ત્યારે નાગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા કથિત ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા અંગે મળેલી ફરીયાદો અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા મંદિરના ટ્રસ્ટીઓને નોટીસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. દ્વારકા નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે યાત્રાળુઓને થતી અસુવિધા અને સુરક્ષાની ચિંતાઓ તેમજ સંચાલકો દ્વારા સંભવિત બેદરકારી અને કથિત ગેરરીતિ અંગે મળેલીફરીયાદો અંગે પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 152 હેઠળ જાહેર ત્રાસદાયક બાબતો દૂર કરવા અંગે નોટીસ પાઠવવામાં આવતા ચકચાર મચી છે. જયોતિર્લિંગ પરિસરની વ્યવસ્થા, શ્રધ્ધાળુઓની સુરક્ષા અને સુચારૂ કાર્યપ્રણાલિ સુનિશ્ચત કરવા હેતુ કાર્યકારી મેજીસ્ટ્રેટ દ્વારા બીએનએસએસની કલમ 152 હેઠળ આદેશ બહાર પાડયો છે. જેમાં જણાવેલ છે કે, નાગેશ્વર મંદિરની અંદર હજારો શ્રધ્ધાળુઓ આવતા હોય, નાગેશ્વરના સરપંચની રજૂઆત અનુસાર મંદિર અંદર ગેરકાયદેસર દુકાન કરી પૂજાની થાળીનું વેચાણ કરવાની ફરીયાદ કરેલ હોય તેમજ ગેરકાયદેસરની દુકાનોને કારણે મંદિર પરિસરમાં ભાગદોડની શક્યતા રહેલી છે. ઉપરાંત ફરીયાદમાં ટ્રસ્ટ દ્વારા દાનપેટીના નાણામાં કથિત ભ્રષ્ટાચાર કરાતો હોવાની અને પૂજારી દ્વારા શ્રધ્ધાળુ પાસેથી મોટી રકમ લઈ પૂજા કરાવતા હોવાની તેમજ મંદિર આસપાસ સ્વચ્છતાના અભાવ અંગે ફરીયાદ મળેલી હોય, શ્રધ્ધાળુઓની જાહેર સલામતી ધ્યાને લઈ જાહેર ત્રાસદાયક બાબત દૂર કરવા પ્રાંત અધિકારી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧પર મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. સાથે જ કુદરતી ન્યાયના સિધ્ધાંતને લઈ તથ્યતા તપાસવી જરૂરી જણાવી તા.25ના સાંજે 4 કલાકે પ્રાંત કચેરીએ હાજર રહેવા મુદ્દત રાખવામાં આવી છે જેમાં હાજર નહિં રહીએ એકતરફી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આદેશ સામે ફકત હાઇકોર્ટે કે સુપ્રિમમાં અપીલ કરી શકાય
યાત્રાળુઓને થતી અસુવિધા, સુરક્ષાની ચિંતાઓ તથા પૂજારીઓ દ્વારા સંભવિત બેદરકારી અને ગેરરીતિઓ અંગે મળેલી ફરિયાદોના આધારે BNSS કલમ 152 હેઠળ કડક કાર્યવાહી શરૂ કરાઇ છે. કાર્યકારી મેજિસ્ટ્રેટ દ્વારા આ કલમ હેઠળ બહાર પાડાયેલા આદેશો જ્યોતિર્લિંગ પરિસરની વ્યવસ્થા, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુચારુ કાર્યપ્રણાલી સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છેકે, બીએનએસએસ 152 હેઠળ કરાયેલ આદેશો સામે ફકત હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકાય છે. વિવિધ ગામોના સરપંચ-પુજારી પરીવારના સભ્યે પણ આપ્યું’તુ આવેદન
દ્વારકા પંથકનાં મંદિર આસપાસનાં વિવિધ ગામનાં સરપંચો દ્વારા મંદિરનાં ગેરવહીવટ અંગે તપાસ-કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યુ હતું. પૂજારી પરીવારનાં જ એક સભ્યે પણ આ પ્રકરણમાં ઉચ્ચકક્ષાએ તપાસની માંગ સાથે આવેદનથી ખળભળાટ મચી ગયો છે. મંદિર ટ્રસ્ટનાં હોદ્દેદારો – સંચાલકો વિરૂધ્ધ તેના પરીવારના સભ્ય ગંભીર અને સનસનાટીજનક આરોપો લગાવી કરોડોનો કથિત રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. મની લોન્ડરીંગ એક્ટ અંતર્ગત પણ તપાસ કરવા સહિતનાં મુદ્દા સાથે રજૂઆતો કરવામાં આવી છે. રજુઆતમાં ટ્રસ્ટીઓ દ્વારા હોટલ, જમીન, પ્લોટ, ગાડીઓ ખરીદી ગેરકાયદે સંપતિનું સામ્રાજ્ય ઉભુ કરવામાં આવ્યુ હોવાનુ તથા જામનગર,ખંભાળીયા, રાજકોટ, અમદાવાદ સહિતનાં શહેરોમાં બે નંબરી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યુ હોવાનાં આરોપ લગાડવામાં આવ્યા છે.ટ્રસ્ટીઓ – પૂજારીઓ દ્વારા થતા ગેરવહીવટ અંગે સરપંચોની રજૂઆત પછી પૂજારી પરીવારનાં સભ્યએ હોદ્દેદારો તથા તેમનાં સગાઓની કથિત મિલ્કતનાં દસ્તાવેજોની નકલો રજૂ કરવા સહિત કરોડોના કથિત કૌભાંડનો આરોપ લગાવી સીબીઆઇ તપાસની માંગ કરતા સનસનાટી મચી છે, સમગ્ર પ્રકરણમાં મોટી કાર્યવાહીની પ્રબળ સંભાવના હોવાનુ જાણકારોએ મંતવ્ય વ્યકત કર્યુ હતુ.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *