- વડગામ તાલુકામાં 30 કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો
- 22 વર્ષીય દીકરીના મોતથી પરિવાર પર આભ ફટયું
- વડગામના મેતા ગામે બે મકાન ધરાસાયી થયા હતા
બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે વડગામના મેતા ગામે બે મકાન ધરાસાયી થયા હતા. જ્યારે તેનીવાડામાં એક મકાનની દીવાલ નીચે બે સગી બહેનો દટાઈ હતી. જેમાં યુવતીનું મોત નીપજ્યું હતુ. બીજીને ગંભીર હાલતમાં સારવાર માટે ધારપુર ખસેડાઈ હતી.
વડગામ તાલુકામાં સતત વરસતા વરસાદના કારણે તેનીવાડા ગામે ઇમામશાહ ફ્કીરના મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરની અંદર રસોઈ બનાવતી બે સગી બહેનો દીવાલ નીચે દટાઈ જતાં 22 વર્ષીય ફ્રજાનાબેન ઇમામશાહ ફ્કીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે નાની બહેન સમીરાને ગંભીર ઇજાઓ પહોંચતા ધારપુર હોસ્પિટલ ખાતે 108 દ્રારા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. અન્ય એક ઠાકોર ગોવિંદજી સોનાજી નું મકાન પણ ધરાસાઈ થયું હતું સદ્દનસીબે પરિવાર બહાર હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે મેતા ગામે વિધવા મહિલા હેતલબેન સુંદાજી વાઘેલાનું મકાન પણ વરસાદ ને લઈ ધરાસાઈ થયું હતું જેના કારણે મોટું નુકસાન થયું હતું.
