ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં હચમચાવી દે તેવી ત્રિપલ હત્યા કાંડમાં આરોપી સામે ભાવનગર પોલીસે તાકીદે પગલાં લઇ, પોલીસ ખુદ ફરિયાદી બની, કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા પોલીસ સામે લોકોએ લાગીણીની ભાવના દર્શાવી હતી. પરંતુ આ મામલે આરોપીનું રિ-કન્સ્ટ્રક્શન થઇ ગયું કે રિમાન્ડ પુરા થયે આરોપી ખાંભલાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવાશે તેવી પોલીસ વિભાગમાં પણ અસમંજસતા જોવા મળી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે પી.આઇ. વાળાએ રિ-કન્સ્ટ્રક્શન થઇ ગયું તેમ જણાવ્યું હતું જ્યારે એસ.પી.એ તપસના અંતે જરૂર પડ્યે રિ-કન્સ્ટ્રક્શન કરાવાશે તેમ જણાવ્યું હતું. ભાવનગર શહેરમાં કાચના મંદિર પાસે આવેલ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને બોટાદ ખાતે મદદનીશ વન સંરક્ષક અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ બચુભાઇ ખાંભલાએ ગત 5-11-2025ના મોડી રાત્રીના તેમની પત્નિ, પુત્ર અને પુત્રીની નિર્દયી રીતે હત્યા કરી, ખાડો ખોદી, દાટી દઇ, ભાવનગર જિલ્લા એસ.પી. તેમજ પોલીસ વિભાગને ગુમરાહ કરી, આરોપી એ.સી.એફ. શૈલેષ ખાંભલા ફરાર થઇ ગયો હતો. જે બાદ પોલીસે તાકીદે પગલાં લઇ ફરાર થયેલ આરોપી વિરૂદ્ધ પોલીસ ખુદ ફરિયાદ બની હતી અને કડક કાર્યવાહી કરી, સાત દિવસના રિમાન્ડ મંજુર કરાવ્યા હતા. જે મામલે હાલ પોલીસ તપાસમાં અનેક રહસ્યો ખુલવાની પણ સંભાવના રહેલી છે. પરંતુ કોઇપણ આરોપીને તેના કૃત્ય બદલ અને પાક્કા પુરાવા મેળવવા માટે થઇ રિ-કન્સ્ટ્રક્શન કરાવાતું હોય છે. જે મામલે એલ.સી.બી.ના પી.આઇ. વાળાએ જણાવ્યું હતું કે, આરોપી શૈલેષ ખાંભલાની ધરપકડ બાદ તુરંત ઘટના સ્થળે લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન કરાવાયું હતું જ્યારે ભાવનગર જિલ્લા એસ.પી.એ જણાવ્યું હતું કે, તપાસના અંતે જરૂર પડ્યે આરોપીનું રિ-કન્સ્ટ્રક્શન કરાવવાશે તેમજ પોલીસ વિભાગમાં પણ આરોપીના રિ-કન્સ્ટ્રક્શન મામલે અસમંજસતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે અધિકારી કક્ષાનો આ આરોપી હોવાથી શું પોલીસે બંધ બારણે આરોપીનું રિ-કન્સ્ટ્રક્શન કરાવી દેવામાં આવ્યું તેની પણ ભારે ચર્ચા ચાલી રહી છે. સૌરાષ્ટ્ર સમાચાર ઈનસાઈડ
વન વિભાગની કર્મચારી યુવતી સાથે આડા સંબંધ હોવાનું ખુલ્યું
જુનાગઢ ખાતેની વન વિભાગની કોઇ યુવતી સાથે પ્રેમસંબધે હત્યા કરાયાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. જે મામલે ભાવનગર પોલીસે વન વિભાગની કર્મચારી યુવતીને ભાવનગર ખાતે લાવી પોલીસે પુછપરછ શરૂ કરી હતી. તપાસમાં આરોપી શૈલેષ ખાંભલાના યુવતી સાથેના પ્રેમસંબંધે જ પત્નિ, પુત્ર અને પુત્રીની હત્યા કર્યાનું તપાસમાં સાબિત થયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. ત્યારે ત્રણની હત્યામાં યુવતીની કોઈ મદદગારી ન હોવાનું પુરવાર થતાં યુવતીનું નામ ગુપ્ત રાખ્યુ છે. સુરત ખાતે શોકસભામાં આરોપીને ફાંસી આપવાની માંગ
સુરત ખાતે પરિવાર દ્વારા ત્રણેય મૃતકોની શોક સભા રાખવામાં આવી હતી. જે દરમિયાન શોક સભામાં આવેલા પરિવારના સંબંધીઓએ પણ આરોપી શૈલેષ ખાંભલાના નિર્દયી ભરેલા કૃત્યને લઇને આરોપીને ફાંસી આપાવની શોકસભામાં માંગ કરી કેન્ડલ માર્ચ કાઢી હતી.
ત્રિપલ મર્ડર બાબતે પોલીસમાં પણ અસમંજસતા:ખાંભલાની ધરપકડ સમયે રિ-કન્સ્ટ્રક્શન કરાયું : PI વાળા ; તપાસના અંતે જરૂર પડ્યે રિ-કન્સ્ટ્રક્શન કરાવાશે : SP પાંડેય
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
