
ખમીદાણાના 6 માસથી ગુમ વૃધ્ધાની હત્યા- લૂંટનો ભેદ ઉકેલાયો : ગામનો જ શખ્સ શકમંદ હોવાની બાતમીના આધારે પોલીસે પૂછપરછ કરતાં કૂવામાંથી અવશેષો મળ્યા
જૂનાગઢ, : કેશોદ તાલુકાના ખમીદાણાના વૃધ્ધા છ માસથી ગુમ હતા. પોલીસે બાતમીના આધારે ગામના જ એક શખ્સની શકમંદ તરીકે પૂછપરછ કરતા તેણે કબુલ્યું કે વૃધ્ધા પર દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ પ્રતિકાર કરતાં ગળું દબાવી હત્યા કરી લાશને કોથળામાં નાખી અવાવરૂ કૂવામાં ફેંકી દીધી હતી. પોલીસે આ કૂવામાં તપાસ કરતાં ત્યાંથી હાડકાં તેમજ કરોડરજ્જુ સહિતના અવશેષો મળી આવ્યા છે. વૃધ્ધાએ દાગીના પહેર્યા હતા તેમજ રોકડ પણ હતી, જે ગુમ હોવાથી પોલીસે હત્યા-લૂંટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
