મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-દૂધસાગર ડેરીની ચૂંટણી લડવા માટે વિપુલ ચૌધરીને થયેલી સજા પર સ્ટે મુકવાની અરજી મહેસાણા કોર્ટે ફગાવી દેતાં તેની સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે અરજીની સુનાવણીમાં વિપુલ ચૌધરી તરફથી આગામી ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ 24 નવેમ્બર હોવાથી કેસની તાકીદે સુનાવણી કરવાની વિનંતી હાઇકોર્ટને કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજન્ટ સુનાવણીની દલીલ ગ્રાહ્ય ન રાખી
બીજી તરફ રાજ્ય સરકારે કેટલાક દસ્તાવેજો એકત્ર કરી રેકર્ડ પર મૂકવાના હોવાથી સમય માંગ્યો હતો. જેના પગલે હાઇકોર્ટે શુક્રવારે અરજન્ટ સુનાવણીની દલીલ ગ્રાહ્ય રાખી નહોતી. આ તબક્કે ચૌધરી તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટે કોર્ટને કહ્યું હતું કે 25મી નવેમ્બરે ફોર્મની સ્ક્રુટીની થઇ ગયા બાદ આ મામલે કોઇ અરજન્સી રહેશે જ નહીં, તેથી કોર્ટ યોગ્ય તારીખ આપે. અંતે આ મામલે 3 ડિસેમ્બરના રોજ સુનાવણી મુકરર કરવામાં આવી છે. પશુ આહાર કૌભાંડમાં મહેસાણા કોર્ટે 7 વર્ષની સજા ફટકારી
મહેસાણા સેશન્સ કોર્ટે પશુ આહાર કૌભાંડમાં દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની સજા પર રોક લગાવવાની અરજી નવેમ્બર મહિનાની શરૂઆતમાં ફગાવી દીધી હતી. તેમણે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આગામી ચૂંટણી લડવા માટે યોગ્યતા પુરવાર કરવા માટે સજા પર રોક લગાવવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. જુલાઈ 2023 માં મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ચૌધરી અને અન્ય 14 લોકોને ડેરીને નાણાકીય નુકસાન પહોંચાડવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને તેમને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. 22 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાનો આરોપ
મોટા પાયે ગેરરીતિઓ અને ગેરવહીવટના આરોપો બાદ વર્ષ 2014 માં મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં ડેરીના તત્કાલીન મેનેજમેન્ટ પર સહકારીને રૂ. 22 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. દોષિત ઠેરવ્યા બાદ વિપુલ ચૌધરી અને અન્ય લોકોએ મહેસાણાના અધિક જિલ્લા ન્યાયાધીશ સમક્ષ અપીલ કરી હતી. જેમણે અપીલ સુધી તેમની સજાના અમલ પર રોક લગાવી હતી. મહેસાણા સેશન્સ કોર્ટમાં અરજી ફગાવતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
જોકે, દોષિત ઠેરવવામાં આવેલી સજા પર જ રોક લગાવવામાં આવી ન હોવાથી વિપુલ ચૌધરી બે વર્ષથી વધુ જેલની સજા પામેલી વ્યક્તિ હોવાથી કોઈપણ સહકારી ચૂંટણી લડવા માટે ગેરલાયક રહે છે. તેથી તેમણે દૂધસાગર ડેરી બોર્ડની ચૂંટણી પહેલા સેશન્સ કોર્ટમાં અરજી કરી તેમની સજા પર સ્ટે માંગવામાં આવ્યો હતો. જેથી તેમની યોગ્યતા પુનઃસ્થાપિત થઈ કરી શકાય. જોકે, આ અરજી રદ કરી દેવાતા હવે તેમણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
દૂધસાગર ડેરીની ચૂંટણી લડવા વિપુલ ચૌધરીની હાઈકોર્ટમાં અરજી:પશુ આહાર કૌભાંડમાં મહેસાણા કોર્ટે 7 વર્ષની સજા ફટકારી, હવે 3 ડિસે.ના સુનાવણી; ચૂંટણી લડવાની શકયતા લગભગ નહીવત
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
