નવસારીમાં ગઠિયાએ મહિલા સાથે છેતરપિંડી આચરી:અમેરિકા સ્થિત પતિના નામે ફોન કરી વિશ્વાસ કેળવી છેતરપિંડી, ઓનલાઈન પૈસા વધુ મોકલાઈ ગયાનું કહી રૂ. 67 હજાર ખંખેરી લીધા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં એક મહિલા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. અજાણ્યા ઠગે મહિલાના ગુગલ પે એકાઉન્ટમાંથી કુલ ₹67,000 પડાવી લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પીડિત મહિલાના પતિ હાલમાં અમેરિકામાં રહે છે, જેનો લાભ લઈને આ છેતરપિંડી કરવામાં આવી હતી. સાદકપોર ગામના રહેવાસી હંસાબેન સુરેશભાઈ પટેલને 4 નવેમ્બર, 2025 ના રોજ એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ અનિલ જણાવ્યું અને કહ્યું કે, તેણે હંસાબેનના પતિ સુરેશભાઈને ₹10,000 આપવાના છે, પરંતુ તેમના ગુગલ પે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા નથી. તેથી સુરેશભાઈએ તેમના નંબર પર પૈસા મોકલવા કહ્યું છે. ઠગ અનિલે હંસાબેનને જણાવ્યું કે, તે ₹3,000, ₹3,000 અને ₹4,000 એમ હપ્તામાં રકમ મોકલવાનો હતો, પરંતુ “ઉતાવળમાં” તેનાથી ₹33,000, ₹30,000, ₹40,000 અને ₹10,000 ના મેસેજ આવી ગયા છે. હંસાબેનના મોબાઈલ પર ખરેખર ₹33,000, ₹30,000, ₹40,000 અને ₹10,000 ક્રેડિટ થયાના ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. આ મેસેજ મળ્યા બાદ, ઠગ અનિલે વારંવાર ફોન કરીને તેનાથી “વધારે” ટ્રાન્સફર થયેલી રકમ (કુલ ₹93,000) પરત આપવા માટે ઉતાવળ કરાવી. હંસાબેને બેંક બેલેન્સ તપાસ્યા વગર અનિલના કહેવા પ્રમાણે કાર્યવાહી કરી. અનિલે તેમના WhatsApp પર મેસેજ કર્યો. હંસાબેને WhatsApp ની મની ટ્રાન્સફર સુવિધાનો ઉપયોગ કરીને ₹27,000 ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, જે નિષ્ફળ રહ્યો. ત્યારબાદ અનિલે બીજા મોબાઈલ નંબર પરથી મેસેજ કર્યો. હંસાબેને ફરીથી WhatsApp અને Google Pay નો ઉપયોગ કરીને, પ્રથમ ₹27,000 અને પછી ₹40,000 મળીને કુલ ₹67,000 ની રકમ ટ્રાન્સફર કરી દીધી. જ્યારે મહિલાએ પોતાનું બેંક એકાઉન્ટ તપાસ્યું, ત્યારે તેમાં કોઈ રકમ જમા થઈ ન હતી, અને તેમને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું. પીડિત હંસાબેન પટેલે તાત્કાલિક નેશનલ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જેનો એક્નોલેજમેન્ટ નંબર 31111250224268 છે. સાયબર ફ્રોડના આ ગુનામાં સંડોવાયેલા ઈસમોને શોધી કાઢવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *