નવસારીના કબીલપોર વિસ્તારમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. રૂદ્રા કોમ્પ્લેક્સ પાસે સર્વિસ રોડ પર મંગળવારે, 18 નવેમ્બર 2025 ના રોજ 72 વર્ષીય વૃદ્ધા શાંતાબેન ઉર્ફે લક્ષ્મીબેન પ્રજાપતિના ગળામાંથી આશરે રૂ. એક લાખની કિંમતની સોનાની ચેઇન આંચકીને અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા હતા. કડોદ ગામના રહેવાસી શાંતાબેન પ્રજાપતિ તેમના દેરાણી રંજનબેન પ્રજાપતિ સાથે નવસારીની કેજલ હોસ્પિટલ ખાતે તેમના નણદોઈ હરીશભાઈ મિસ્ત્રીના ખબર અંતર પૂછવા આવ્યા હતા. સવારે 09:10 વાગ્યે તેઓ બારડોલીથી બસમાં ગ્રીડ ચોકડી ખાતે ઉતર્યા હતા. હોસ્પિટલમાં મુલાકાત બાદ, આશરે 11:10 વાગ્યાના અરસામાં તેઓ કેજલ હોસ્પિટલથી ચાલતા પરત ગ્રીડ તરફ જઈ રહ્યા હતા. તે સમયે, રૂદ્રા કોમ્પ્લેક્સ પાસે સર્વિસ રોડ પર, એક મોપેડ પર આવેલા બે અજાણ્યા ઈસમોમાંથી પાછળ બેઠેલા શખ્સે અચાનક શાંતાબેનના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી લીધી હતી. ચેઇન આંચક્યા બાદ બંને ઈસમો મોપેડ પર ફરાર થઈ ગયા હતા. પીડિત શાંતાબેનના જણાવ્યા મુજબ, ચેઇન આંચકનાર ઈસમની ઉંમર આશરે 24 થી 30 વર્ષની હતી. તેણે માથામાં સફેદ કલરની ટોપી, કાળા કલરનું આખી બાયનું જેકેટ અને બ્લ્યુ જેવા કલરનું જીન્સ-પેન્ટ પહેરેલ હતું. તેના પગમાં સફેદ કલરના બુટ હતા. બંને ઈસમોએ મોઢે રૂમાલ બાંધેલા હતા. ઘટના સમયે રસ્તા પરથી પસાર થતા એક મોપેડ ચાલકે આ ઘટના જોઈ હતી અને તેમણે સ્નેચરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પીછો કરનાર ઈસમે નાસી છૂટેલા ચોરોનો વીડિયો પણ ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. શાંતાબેને તેમના દેરાણી રંજનબેન પ્રજાપતિ અને ભાણેજ વહુ ડિમ્પલકુમારી સંદીપકુમારી મિસ્ત્રી સાથે નવસારી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોપેડના રજીસ્ટ્રેશન નંબર અને ઈસમોના વર્ણનના આધારે તેમજ રસ્તા પરના CCTV ફૂટેજ તપાસીને આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારીમાં વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ:ધોળા દિવસે રૂ. 1 લાખની સોનાની ચેઇન આંચકી તસ્કરો ફરાર
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
