પાટણમાં સગીરાના અપહરણનો મામલો:મુખ્ય આરોપીના રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પાટણ તાલુકાના એક ગામેથી ગત તા. 15/10/25ના રોજ એક કિશોરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના આક્ષેપ ધરાવતા મુખ્ય આરોપી ઋત્વિક ઠાકોરને પાટણ પોલીસે તા. 13/11/25ના રોજ ઝડપી પાડ્યો હતો. આરોપીને પાટણની પોક્સો કોર્ટમાં રજૂ કરાયા બાદ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં તા. 17/11/25ના રોજ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. આ કેસમાં પોલીસે કિશોરીને પણ હસ્તગત કરી તેની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, ઋત્વિક અને કિશોરી તેમના ગામેથી ભાગીને મુંદ્રા નજીક આવેલા લાખાપર ગામે એક ખેતરમાં આવેલા મકાનમાં રોકાયા હતા. આ રોકાણ દરમિયાન આરોપીએ કિશોરી સાથે બેથી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું કિશોરીએ જણાવ્યું હતું. આ નિવેદનના આધારે આરોપી સામે પોક્સો અને દુષ્કર્મની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં કિશોરીનું અપહરણ થયું તે પહેલાં તેના પિતાએ ઋત્વિક ઠાકોર સામે તેમની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરી અને ઋત્વિક વચ્ચે પરિચય થતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. ઋત્વિક તેમની દીકરીને ગામમાં મળવા પણ આવતો હતો અને એકવાર તેઓ પકડાઈ ગયા બાદ સમાધાન કરવામાં આવ્યું હતું. તેમ છતાં આરોપી તેમની દીકરીનું અપહરણ કરીને લઈ ગયો હતો. પોલીસે આરોપીના રિમાન્ડની અરજીમાં કોર્ટને રજૂઆત કરી હતી કે, આરોપીએ મુંદ્રાના લાખાપરના ખેતરમાં જ્યાં રોકાઈને કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું, તે સ્થળે એફએસએલની તપાસ કરવાની બાકી છે. વધુમાં, આરોપીએ જણાવ્યું હતું કે લાખાપરથી રવાના થયા બાદ તે કિશોરી સાથે તેના મિત્ર પાસે હિંમતનગર ખાતે સાત દિવસ રોકાયો હતો. આરોપી તેના મિત્રથી સારી રીતે પરિચિત હોવાથી હિંમતનગર ખાતેની જગ્યાએ આરોપીને સાથે રાખીને તપાસ કરવાની જરૂરિયાત હતી. આ ઉપરાંત, આરોપી અને કિશોરી બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર ચેટ થયાનું જણાવતા હતા, અને ઘરેથી નીકળ્યા તે દિવસે બંનેએ તેમના ફોન તોડી નાખ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેથી, ઇન્સ્ટાગ્રામ આઈડી રિકવર કરીને તેમાંથી મહત્વના પુરાવા એકત્ર કરવાના હોવાથી રિમાન્ડ જરૂરી હતા. કોર્ટે ગુનાને સાંકળતી કડીઓ પ્રસ્થાપિત કરવા તપાસના કામે આરોપીની હાજરી જરૂરી જણાતા રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *