પાટણમાં સગીરાના અપહરણ-દુષ્કર્મનો મામલો:પતિ-પત્નીને 7 વર્ષની સખત કેદ, પીડિતાને ₹30,000 વળતર ભલામણ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પાટણ શહેરની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પાટણની સ્પે. પોક્સો (સેશન્સ) કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી મેલાજી ઉર્ફે રાહુલ ઉર્ફે અકકો ઉર્ફે ચુંગી બળવંતજી ઠાકોર (ઉંમર 24) અને તેની પત્ની સરોજબેન (ઉંમર 19), રહે. પિતાંબર તળાવ, પાટણને દોષિત ઠેરવ્યા છે. જજ બિપિન કે. બારોટે બંને આરોપીઓને 7-7 વર્ષની સખત કેદની સજા અને કુલ ₹25,000-₹25,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે ભોગ બનનાર સગીરાને વિક્ટિમ કોમ્પન્શેસન સ્કીમ હેઠળ ₹30,000નું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે. આ કેસમાં સરકારી વકીલ જિતેન્દ્ર જે. બારોટે રજૂઆત કરી હતી. અપહરણના ગુના બદલ, કોર્ટે આરોપી મેલાજી ઉર્ફે રાહુલ ઠાકોર અને તેની પત્ની સરોજબેનને આઈપીસી કલમ 363/366 હેઠળ 3-3 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને ₹5,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત, પોક્સો એક્ટની કલમ 3(એ) 4 તથા કલમ-17 હેઠળ દોષિત ઠેરવીને બંનેને 7-7 વર્ષની સખત કેદની સજા અને બંનેને ₹20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ 3 માસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. પોક્સો કોર્ટના જજ બિપિન કે. બારોટે પોતાના 31 પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે, તમામ પુરાવા પરથી એવું નિઃશંકપણે પૂરવાર થયું છે કે ભોગ બનનાર સગીરા હતી અને સંમતિ આપવાને લાયક નહોતી. આરોપી સગીર હોવાનું જાણતા હોવા છતાં તેનું અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ લઈ જઈને મેલાજી ઉર્ફે રાહુલે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેની પત્ની સરોજે મદદગારી કરી હતી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ દયાને પાત્ર જણાતા નથી. જોકે, રેકર્ડ પરના પુરાવા જોતા ભોગ બનનાર પણ કંઈક અંશે જવાબદાર બને છે. કોર્ટે ફરિયાદ પક્ષના 10 મૌખિક અને 27 દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *