- અધિકારીની કાર્યશૈલીને કારણે નગરનો વિકાસ રુંધાયો હોવાનો મત
- પારડી નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાચી દોશીની આખરે બદલી થઇ
- સીઓની બદલી માટે મુખ્યમંત્રી કાર્યાલય સુધી થઇ હતી રજૂઆત
‘બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે નિકલે હમ’ જેવી પરિસ્થિતિ પારડી નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાચી દોશીની બુધવારે નિહાળવા મળી હતી. પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચીન દોશીની આમોદ નગરપાલિકા ખાતે બદલી થતા પારડી નગરપાલિકાના કેટલાક સભ્યોએ રાજ્ય સરકારના આ નિર્ણયને વધાવી લઈને ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. જો કે, ઉત્સાહના અતિરેકમાં શ્રીફળ વધેરીને ફટાકડા પણ ફોડી નાખ્યા હતા.

પારડીમાં ચીફ ઓફિસર પ્રાચીબેન દોશીનો કાર્યકાળ સૌથી વિવાદિત રહ્યો છે. વિરોધ પક્ષ જ નહીં પરંતુ સત્તા પક્ષના સભ્યો પણ ખુલ્લેઆમ ચીફ ઓફિસર પ્રાચીન દોશીની કાર્યશૈલી સામે નારાજગી વ્યક્ત કરતા રહ્યા હતા. એટલું જ નહીં તેમના ફરજકાળ દરમિયાન પારડી નગરનો વિકાસ રૂંધાઈ ગયો હોવાનું સભ્યો માનતા હતા. ગત સામાન્ય સભામાં ઘણા સદસ્યોએ ચીફ ઓફિસર સામે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.

અગાઉ પારડી નગરપાલિકામાંથી તેમની અન્યત્ર બદલી થાય તે માટે અગાઉ મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ થઈ હતી. તે પછી મંગળવારે સાંજે તેમની બદલી આમોદ થતા બુધવારે પારડી નગરપાલિકામાં માજી સદસ્ય બીપીનભાઈ પટેલ, જીતુભાઈ ભંડારી, કિરણભાઈ મોદી, અલીભાઈ અન્સારી, જયેશભાઈ પટેલ, આસિફ્ભાઇ વગેરેએ ઉત્સવ ઉજવ્યો હતો. સર્વપ્રથમ બીપીનભાઈ પટેલે ગંગાજળ છાંટીને પારડી નગરપાલિકાના પગથિયાને ધોઈ નાખ્યા હતા. બાદમાં જીતુભાઈ અને બીપીનભાઈએ ફટાકડા ફેડયા હતા. ત્યારબાદ અલીભાઈ, બીપીનભાઈ અને બીજા તમામ સભ્યોએ 28નાળિયેર નગરપાલિકાના ગેટ પાસે ફોડી નાખ્યા હતા.

આ લોકોએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો. જોકે તેમની બદલી બાદ ઉત્સાહની અતિશયોક્તિ પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. હવે પારડીમાં નવા ચીફ ઓફિસર તરીકે કોને ચાર્જ સોપાય તે ઉપર મીટ મંડાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, પારડી નગરપાલિકાના ભૂતકાળમાં કોઈ પણ ચીફ ઓફિસરની બદલી માટે પાલિકાના સભ્યો અને અગ્રણી નાગરિકોએ આવું વર્તન કર્યું નહોતું. પરંતુ આ પ્રકારની ઘટના પ્રથમવાર બની છે.
