પેંડા બાદ મૂર્ઘા ગેંગ સામે થશે ગુજસીટોક હેઠળ કાર્યવાહી:ગેંગના ફરાર બે આરોપીની પોલીસે કરી ધરપકડ, સરકારી આવાસ પર ગેરકાયદે દબાણ કર્યાનું આવ્યું સામે

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અગાઉ 15 આરોપીની ધરપકડ કર્યા બાદ આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બંને આરોપીઓ વિરુધ્ધ હત્યાની કોશિશ સહિતના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે અને ટૂંક સમયમાં પેંડા ગેંગ બાદ મૂર્ઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા પોલીસે કવાયત શરૂ કરી છે. ગુજસીટોકના ફરાર બે આરોપીને ઝડપી પાડ્યા રાજકોટ ડીએપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ગત 9 નવેમ્બરના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડા ગેંગના 17 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફ્રિયા નોંધી પ્રથમ ચાર બાદ 11 આરોપીઓનો જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આજે પોલીસે ફરાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં અમરદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલા (ઉ.વ.24) અને મિલન નરભેરામ ગોંડલીયા (ઉ.વ.32)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમરદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલા (ઉ.વ.24) વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં 5 અને મિલન નરભેરામ ગોંડલીયા (ઉ.વ.32) વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં 7 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે અને આ ગુનામાં હત્યાની કોશિશ, મારામારી તેમજ મની લોન્ડરિંગ સહિતના કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીઓ દ્વારા સરકારી આવાસમાં ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જે ખાલી કરાવવા તજવીજ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. પેંડા ગેંગના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં 71 ગુના રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, ઉપરાંત જામનગર અને મહેસાણામાં નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા અને હત્યાની કોશિશના 7, મારામારી અને રાયોટિંગના 29, છેડતી અને બળાત્કારના 7, આર્મ્સ એક્ટ હેઠળ 5, ઉપરાંત NDPS, લૂંટ, અપહરણ તેમજ મિલ્કત સંબંધિત ગુનાનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ પ્રથમ ચાર આરોપી દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા, અને ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા આ પછી જેલમાંથી કબ્જો મેળવી આરોપી રણજિત ઉર્ફે કાનો ટિકિટ ગોહેલ, હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોડી જાડેજા, પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા, રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા, હર્ષદીપસિંહ ઝાલા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા, પરિમલ ઉર્ફે પપરિયો સોલંકી, દિનેશ ઉર્ફે કાંચો ટમટા, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, કમલેશ મેતા અને સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી ગુજસીટોકની કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવતા કોર્ટે 20 નવેમ્બર સુધી રિમાન્ડ મંજુર કર્યા છે. હાલ આ ગેંગ વિરુધ્ધ ગુજસીટોકની તપાસ એસીપી ક્રાઇમ ભરત બસીયા ચલાવી રહ્યા છે જેના સુપરવિઝન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સમયસર ચાર્જશીટ રજૂ થાય તે માટે ઝડપી અને કડક કાર્યવાહી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન પેંડા ગેંગના લોકો પાસેથી ગેંગ ક્યારે અને કેવી રીતે બની, ગેંગ બનાવવાનો આઈડિયા કોનો હતો, ગેંગમાં કોણ ક્યારે જોડાયું, ગુનામાં વપરાતાં છરી, પિસ્તોલ, તમંચા સહિતના હથિયાર ક્યાંથી આવ્યા, ગેંગની મોડસ ઓપરેન્ડી શું છે તે સહિતના મુદ્દે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ તપાસ દરમિયાન આરોપીઓની મિલ્કતો અંગે પણ તપાસ કરવામાં આવતા સરકારી આવાસમાં ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો હોવાનું સામે આવતા આ દબાણ ખાલી કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે અંધાધૂંધ ફાયરીંગ કેસમાં પેંડા ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ અંધાધૂંધ ફાયરિંગમાં સામા પક્ષે મૂર્ઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *