પોસ્ટ વિભાગની નકલી વેબસાઇટ બનાવી 44.40 લાખની ઠગાઈ:સરકારી નોકરીના નામે કૌભાંડ, એથીકલ હેકિંગના જાણકાર BE એન્જિનિયર સહિત 2 ઝડપાયા, પ્રોફેશનલ જ્ઞાનનો ઉપયોગ ગુનામાં કરતો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સુરતમાં સરકારી નોકરીના નામે ચાલી રહેલા એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને બનાવટી વેબસાઇટ અને ખોટા મેસેજ દ્વારા રાજ્યભરના 12થી વધુ યુવાનો પાસેથી કુલ 44.40 લાખની માતબર રકમ પડાવી લેવામાં આવી હતી. અઠવા પોલીસે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે પોતાના કોમ્પ્યુટર અને ટેક્નોલોજીના જ્ઞાનનો ઉપયોગ લોકોને છેતરવા માટે કર્યો હતો. એક આરોપી એથીકલ હેકિંગના જાણકાર અને BE એન્જિનિયર છે. આરોપી પોસ્ટ વિભાગની નકલી વેબસાઇટ તૈયાર કરી હતી
કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે ઝડપાયેલો આરોપી બ્રિજ ઉર્ફે બ્રિજેશ મુકેશભાઈ પટેલ (નવસારી) એક શિક્ષિત યુવક છે, જેની શૈક્ષણિક લાયકાત ગુનાને ગંભીર બનાવે છે. બ્રિજેશ પટેલે અમદાવાદની આલ્ફા કોલેજમાંથી B.E. કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તે એથિકલ હેકિંગ અને વેબસાઇટ ડેવલપમેન્ટનું પ્રોફેશનલ જ્ઞાન ધરાવે છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને તેણે પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ જેવી જ દેખાતી નકલી વેબસાઇટ તૈયાર કરી હતી. તે આ ફેક પોર્ટલ મારફતે નોકરી વાંચ્છુકોને ખોટી પરીક્ષાઓ, ખોટા કોલ લેટર અને અન્ય ટેક્નિકલ પ્રક્રિયાઓ બતાવીને વિશ્વાસમાં લેતો બ્રિજેશ પોલીસ સમક્ષ રટણ કર્યું કે ઠગાઈથી મળેલા પૈસાનો ઉપયોગ તેણે દેવું ચૂકવવામાં કર્યો. તેણે વ્યાજે લીધેલા 8 લાખ સામે વ્યાજ સહિત 40 લાખ ચૂકવ્યા હોવાનું જણાવ્યું છે. નોકરી વાંચ્છુકો શોધનાર મામલતદાર કચેરીનો ભૂતપૂર્વ ઓપરેટર
ઝડપાયેલો બીજો આરોપી ભૂપેન્દ્રકુમાર જેકિશનભાઈ શર્મા (સગરામપુરા) નેટવર્કમાં નોકરી વાંચ્છુકોને શોધીને લાવવાનું કામ કરતો હતો. ભૂપેન્દ્ર અગાઉ શહેરની મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો, જેથી તેને સરકારી પ્રક્રિયાઓની સામાન્ય જાણકારી હતી. તે લોકોને પોસ્ટ વિભાગમાં સારી ઓળખાણ હોવાનું કહીને વિશ્વાસમાં લેતો અને બ્રિજેશના નકલી પોર્ટલ મારફતે ભરતી પ્રક્રિયાનું નાટક કરાવી પૈસા પડાવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, કમિશનથી શરૂઆત કર્યા બાદ ભૂપેન્દ્રએ બ્રિજેશની જાણ બહાર પણ આ કૌભાંડ શરૂ કરી દીધું હતું. તેની સામે ઉમરા પોલીસમાં પણ 21 લાખની ઠગાઈની અરજી નોંધાયેલી છે. આરોપીઓએ ઉગત કાર્યકારી સહકારી મંડળી લિમિટેડના સર્વરનો દુરુપયોગ કરીને બોગસ મેસેજ મોકલ્યા હતા. રાજ્યના સુરત, થરાદ, દિયોદર સહિતના વિસ્તારોના 12 યુવાનોએ નોકરીની લાલચમાં 44.40 લાખ ગુમાવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર રાખવાનો હુકમ કર્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *