પ્રભારી મંત્રીએ લુણાવાડાથી યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા પદયાત્રા યોજાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા વિધાનસભા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાને લુણાવાડાના ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતેથી પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ પદયાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રેરક અવસર છે. તેમણે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અજોડ યોગદાનને યાદ કર્યું હતું. મંત્રીએ કહ્યું કે, ખેડા અને બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોને ન્યાય અપાવ્યા બાદ તેમનું સૌથી મોટું કાર્ય આઝાદી સમયે ૫૬૨ જેટલા રજવાડાંને એક દોરામાં પરોવીને અખંડ ભારતનું નિર્માણ કરવાનું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો સરદાર સાહેબ ન હોત તો આજે ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું હોત, તેથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મૂળમાં સરદાર સાહેબની આ રાષ્ટ્રીય એકતાની ભેટ જ છે. પ્રભારી મંત્રી બરંડાએ પદયાત્રાના સંદેશ વિશે વાત કરતા જણાવ્યું કે, આ રાષ્ટ્રીય પર્વ દ્વારા આપણે સરદાર સાહેબના આદર્શો જેવા કે સ્વચ્છતા, સંગઠન અને સાદગીને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ લઈએ. તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને અપીલ કરી કે, જે રીતે સરદાર સાહેબે દેશને ભૌગોલિક રીતે એક કર્યો, તે જ રીતે આપણે પણ જાતિ, ધર્મ અને પ્રાંતના ભેદભાવ ભૂલીને, આપણા હૃદયને ‘રાષ્ટ્રીય એકતા’ના તાંતણે બાંધીશું અને ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પમાં કોઈ કસર નહીં છોડીએ. આ યાત્રા લુણાવાડા ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતેથી શરૂ થઈ હતી. મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા બાદ તેઓ પણ પદયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ મહિલા ચોંકી સર્કલ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આગળ પ્રસ્થાન કર્યું હતું. આ યાત્રા કોઠા, પ્રાણનાથજી મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે મંત્રી પી. સી. બરંડા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે લોકોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા. આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક સફીન હસન, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, અગ્રણી દશરથભાઈ, તાલુકા પંચાયત પ્રમુખો સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *