પ્લાસ્ટિક મુક્ત શાળા:માળીયાહાટીનાની વડીયા પે શાળાના 70 બાળકોએ 1,100 'ઇકો બ્રિક્સ' બોટલ ભેગી કરી;પ્લાસ્ટિક મુક્ત શાળા' અભિયાન થકી વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળાએ પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળાએ ‘મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા’ અભિયાન દ્વારા પોતાને પ્લાસ્ટિક મુક્ત શાળા તરીકે સ્થાપિત કરી છે અને આ નોંધનીય કામગીરી બદલ શાળાના શિક્ષકને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.વડીયા પે સેન્ટર શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક કિંજલબેન રાઠોડએ છેલ્લા એક વર્ષથી આ મહત્ત્વકાંક્ષી અભિયાન શરૂ કર્યું હતું. આચાર્ય હમીરભાઈ સિંધવ અને સમગ્ર સ્ટાફની સક્રિય ભાગીદારીથી આ પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનને સફળતા મળી છે.​ ઇકો બ્રિક્સ: પ્લાસ્ટિકમાંથી પર્યાવરણ સુરક્ષા તરફ​ આ અભિયાનમાં શાળાના ધોરણ 4 થી 8 ના લગભગ 70 જેટલા બાળકો જોડાયા હતા. વૈશ્વિક સ્તરે પર્યાવરણને પ્લાસ્ટિકથી બચાવવાની સમસ્યા વચ્ચે, આ વિદ્યાર્થીઓએ 1,100 જેટલી પ્લાસ્ટિકની બોટલ ભેગી કરીને તેને ‘ઇકો બ્રિક્સ’માં પરિવર્તિત કરી હતી. ઇકો બ્રિક્સ એટલે નકામી પ્લાસ્ટિક બોટલમાં નકામું પોલિથીન અને પ્લાસ્ટિક ભરીને તેને ઈંટ જેવો મજબૂત આકાર આપવો. આ પ્રયાસ થકી શાળા સંપૂર્ણપણે પોલિથીન અને પ્લાસ્ટિક મુક્ત બની છે.​આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોને પ્લાસ્ટિકના વપરાશથી થતા નુકસાન અંગે માહિતગાર કરવાનો અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો હતો. શિક્ષકોએ બાળકોને સમજાવ્યું કે છેલ્લા એક દાયકામાં પર્યાવરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ખોટા ઉપયોગથી કેન્સર જેવા ભયંકર રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું છે, અને નદી, તળાવ તથા દરિયામાં પણ પોલિથીન અને પ્લાસ્ટિકના ઢગ જોવા મળે છે.​ નાની પહેલના મોટા પરિણામો: ₹40,000ની બચત​ શિક્ષક કિંજલબેન રાઠોડ દ્વારા આ અભિયાન હેઠળ બાળકોને કેટલીક મહત્ત્વની ટેવો અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.જેમાંઘરે રહેલું નકામું પોલિથીન પ્લાસ્ટિક, પાણીની નકામી બોટલમાં ભરીને ‘ઇકો બ્રિક્સ’ બનાવવી.શાકભાજી કે અન્ય વસ્તુઓ લેવા માટે કાપડની થેલીનો ઉપયોગ કરવો.બાળકો પોતાના જન્મ દિવસ પર ચોકલેટના બદલે મુઠ્ઠી અનાજ લાવે અને પક્ષીઓને ચણ નાખે.​વર્ષ દરમિયાન આ પ્રયોગ કરતા એક નોંધપાત્ર બાબત ધ્યાનમાં આવી: ફક્ત એક સ્કૂલના 200 બાળકોના એક વર્ષના ચોકલેટના વપરાશની ગણતરી કરતા જાણવા મળ્યું કે વાલીઓના ₹40,000 રૂપિયાની બચત થઈ. આ ઉપરાંત, બાળકોએ ચોકલેટ ન ખાવાથી તેમના દાંત પણ બગડ્યા નહીં અને બીમાર પડવાનું પ્રમાણ પણ ઘટ્યું.શાળાએ એકત્ર કરાયેલી કુલ 1,100 ઇકો બ્રિક્સ બોટલનો ઉપયોગ બગીચામાં, રિસાયકલ કરીને બ્લોક બનાવવામાં અને શાળામાં વિવિધ જગ્યાએ કરી પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આજે વડીયા પે સેન્ટરના બાળકો પાણીની બોટલ કે લંચ બોક્સ પણ પ્લાસ્ટિકનું લાવવાનું ટાળે છે.​ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સન્માન​ આ અભિયાનની સફળતા અને તેની અનોખી પદ્ધતિનો સમગ્ર અહેવાલ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સબમિટ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા આ પ્રયાસની નોંધ લેવામાં આવી હતી અને ગણિત-વિજ્ઞાનના શિક્ષક કિંજલબેન દેવચંદભાઈ રાઠોડને “વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ” ના એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ બદલ વડીયા પે સેન્ટર શાળાને પર્યાવરણ સંરક્ષણનું એક મોડેલ ગણવામાં આવી રહ્યું છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *