બનાસકાંઠા LCBએ 6.27 લાખનો દારૂ ઝડપ્યો:અમીરગઢ પાસેથી વિદેશી દારૂના જથ્થા અને કાર સાથે બે બુટલેગરોની ધરપકડ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

બનાસકાંઠા LCBએ અમીરગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક હ્યુન્ડાઇ i20 કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ ₹6,27,072/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસ સ્ટાફ અમીરગઢ વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપુરીયા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન હ્યુન્ડાઇ i20 ગાડી નંબર GJ18BE0126 ને રોકવામાં આવી હતી. ગાડીમાંથી સુમિતસિંહ નરપતસિંહ ડાભી (રહે. આવલ, તા. અમીરગઢ) અને રાજેન્દ્રસિંહ જબ્બરસિંહ ચૌહાણ (રહે. ઓત્રોલી, તા. પાલનપુર) ને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1056 બોટલો, જેની કિંમત ₹3,12,072/- થાય છે, તે મળી આવી હતી. દારૂ અને i20 કાર સહિત કુલ ₹6,27,072/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો ભરી આપનાર મહાવીરસિંહ ગણપતસિંહ દેવડા (રહે. ગઢડા, તા. અમીરગઢ) અને દારૂ મંગાવનાર ગોવિંદસિંહ (રહે. સિદ્ધપુર) પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓએ રાજસ્થાન રાજ્યમાંથી નિર્મિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચ્યું હતું. આ મામલે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે તમામ સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *