- માધવપુર ઘેડમાં શ્રીજીના પાંચ દિવસના લગ્નોત્સવનો પ્રારંભ
- આજે રાત્રે બીજુ ફૂલેકું અને કાલે રાત્રે ત્રીજુ ફુલેકું નિકળશે
- પાંચ દિવસના આ લગ્નોત્સવમાં મહાલવા માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા
માધવપુર ઘેડમાં ગુરુવારે સાંજથી ભગવાન શ્રીકૃષ્ણના માંગલિક વિવાહ ઉત્સવનો પ્રારંભ થયો હતો. પાંચ દિવસના આ લગ્નોત્સવમાં મહાલવા માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને પ્રથમ દિવસે નિજ મંદિરેથી નિકળેલા ભગવાન શ્રીકૃષ્ણના ફૂલેકામાં મોટી સંખ્યામાં ભાવિકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
રામનવમીના દિવસ રાજભોગના દર્શન માટે રૂક્ષ્મણીજી મધુવનમાં આવેલા હતા. રૂક્ષ્મણજીને માતાના મઢેથી તેમના પિયરીયાઓ ડી.જે.સાથે વાજતે-ગાજે નાચતા કૂદતા અબીલ ગુલાલની છોળો સાથે લગ્નગીતો ગાતા પિયરીયે પધરાવી ગયા હતા. રૂક્ષ્મણીજી તેમના પિયર પહોંચી ગયા છે અને માનવ મહેરામણ ઉભરાઇ રહ્યો છે ત્યારે બીજીબાજુ ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુનું પહેલુ ફૂલેકુ નિજ મંદિરેથી નિકળ્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને તિલક, હારતોરા, શ્રીફળ આપી પૌરાણિક એન્ટિક રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણનું પ્રથમ ફૂલેકુ નિકળતા પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ફૂલેકામાં કિર્તનકારો, ભાઇઓ અને બહેનો જોડાયા હતા. બહેનોએ લગ્ન ગીતોની અને ભાઇઓ ડાંડીયા રાસની રમઝટ બોલાવી હતી. ઢોલ શરણાઇના સૂર સાથે ફૂલેકુ મેઇન બજારમાં થઇ બ્રહ્મકુંડ પર પહોંચ્યુ હતું અને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણને પાલખીમાં બેસાડીને વિશ્રામ કરાવવામાં આવ્યો હતો. તેમજ શીતલ જલ, ફળ-ફૂલ તથા સુકોમેવો ધરાવવામાં આવ્યો હતો. તેમજ આરતી ઉતારવામાં આવી હતી.ફૂલેકામાં જોડાયેલા ભાવિકોમાં પ્રસાદ અને જલ વિતરણ કરાયા હતા. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણને નિજ મંદિર લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રભુના પોખણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફૂલેકામાં જોડાયેલા ભાવિકો ‘શ્રી રૂક્ષ્મણી માધવનો જય જય’ બોલાવતા મેળાની મોજ માણવા જતા રહ્યા હતા. આજે રાત્રે બીજુ ફૂલેકું અને કાલે ત્રીજુ ફૂલેકુ નિકળશે.
