ભાઈપુરા-હાટકેશ્વરમાં 96 દબાણો પર બુલડોઝર ફેરવાયું:રોડ પહોળો કરી 12 મીટરનો થતાં ટ્રાફિક સમસ્યા દૂર થશે, 21 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપી હતી

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં બાબુલાલની ચાલીથી ભૂંડની ચાલી તરફના રોડ પરના દબાણો દૂર કરીને પહોળો કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અને દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ટીપી રોડમાં આવતા નાના મોટા કાચા પાકા 96 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી
મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ અને પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ શહેરના ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં આવતા બાબુલાલની ચાલી પંજાબીની ચાલીથી ભૂંડની ચાલી તરફ રોડ આવેલો છે. જે હાલમાં હયાત 6થી 9 મીટર સુધીનો રોડ છે, આ રોડ ખુબ જ સાંકડો હોવાના કારણે અવરજવરમાં તકલીફ પડતી હતી. રોડ ઉપર વાહનોની અવર-જવર વધારે હોવાથી ટ્રાફિક થઈ જતો હતો જેથી ટીપી રોડને પહોળો કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી. ટીપી રોડ 12 મીટરનો મંજૂર થયેલો છે. જો કે, હયાત રોડ નાનો હોવાના કારણે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 96 દુકાનો અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
આ હયાત રોડ ઉપર આવેલા કોમર્શિયલ અને રહેણાંક બંને મળીને કુલ 96 જેટલા મકાનો છે. નાના-મોટા કાચા પાકા મકાનો જેસીબી વડે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગે મકાનો અને દુકાનોમાં નાનો મોટો ભાગ જ તૂટી રહ્યો છે. આખી દુકાન કે મકાન દબાણમાં નથી. લોકોએ ટીપી રોડ ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો અને મકાનો બનાવી દીધા હતા જેથી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 21 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપી હતી. જે બાદ આજે આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *