રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેતીમાં નુકસાન થતા 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી હોવા છતાં સરકાર જાગતી ના હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. જે પણ ખેડૂતોએ આર્થિક દેવાના કારણે આત્મહત્યા કરી તેમના પરિવારને એક કરોડની સહાય ચૂકવવામાં આવે તેવી આપે સરકાર પાસે માગ કરી છે. ખેતીમાં નુકસાન જવાથી 6 ખેડૂતોએ આપઘાત કર્યોઃ ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોના આપઘાતનો સિલસિલો વધ્યો છે. તાજેતરમાં ખેતીમાં નુકસાન જવાથી 6 ખેડૂતોએ આપઘાત કરી છે. ઘરેણા ગીરવે મૂકીને લોન લીધી હોય એ લોન પણ ચૂકવી શકાય નહીં એવી પરિસ્થિતિના કારણે ખેડૂતોએ આત્મહત્યા કરી રહ્યા છે. સરકારની સહાય પૂરતી ના હોવાથી ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે. ખેડૂતોની આત્મહત્યા બાદ પણ ગુજરાતની ખેડૂત વિરોધી ભાજપ સરકાર જાગતી નથી. જેથી અમારી માગ છે કે, મૃતક ખેડૂતના પરિવારને સરકાર 1 કરોડની સહાય ચૂકવવામાં આવે. 40થી 50 હજાર કરોડનું નુકસાન ખેડૂતોને થયું છે, તેની સામે ફક્ત 10,000 કરોડના પેકેજથી શું થશે? ‘ચૂંટણીમાં ખેડૂતો ભાજપના નેતાઓને ગામમાં નહીં ઘૂસવા દે’
વધુમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, 3 વર્ષથી શાસન કરનાર પંજાબની AAP સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયા ચૂકવે છે, તો 30 વર્ષથી શાસન કરનાર ભાજપ સરકાર કેમ આટલું વળતર આપતી નથી? ભાજપ સરકારે ઉદ્યોગપતિઓની લાખો કરોડની લોન માફ કરી અને મફતના ભાવે ઉદ્યોગપતિઓને જમીનો આપી તો ખેડૂતોને સહાય આપવામાં સરકારને શું તકલીફ થાય છે? સરકાર ખેડૂતોને વળતર ચૂકવવા માંગતી નથી એટલા માટે અરજીઓનું નાટક કરે છે. ખેડૂતો લૂંટાઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ મગફળીની ખરીદી કરીને માલામાલ થઈ રહ્યા છે. ખેડૂતોના મતે જીતેલા સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓમાં કોઈ આત્મા બચ્યો છે કે નહીં? તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતો ભાજપના નેતાઓને ગામમાં નહીં ઘૂસવા દે.
ભાજપની ખેડૂત વિરોધી નીતિથી આપઘાત વધ્યાનો AAPનો આક્ષેપ:મૃતક ખેડૂતના પરિવારને 1 કરોડની સહાય ચૂકવવા માગ, ઈસુદાને કહ્યું-ખેડૂતોના મતથી જીતેલા મંત્રીઓનો કોઈ આત્મા બચ્યો છે નહીં?
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
