
વડોદરાઃ ભારત દર વર્ષે ૧૨ અબજ ડોલરના કપડાની નિકાસ દુનિયામાં કરે છે અને તેમાં અમેરિકામાં થતી નિકાસનો ફાળો લગભગ ૨૮ ટકા જેટલો છે.એમરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા ૫૦ ટકા ટેરિફની અસર ટેક્સટાઈલ સેકટર પર દેખાઈ રહી છે તેમ નેશનલ ટેક્સટાઈલ એસોસિએશનના પ્રમુખ આર કે વિજે એક વાતચીતમાં કહ્યું હતું.
એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીમાં ક્લોથિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગ દ્વારા યોજાયેલી બે દિવસની નેશનલ ટેક્સટાઈલ કોન્ફરન્સના ઉદઘાટન સત્રમાં હાજરી આપવા માટે આવેલા આર કે વિજે કહ્યું હતું કે, અમેરિકામાં મોટાભાગે ભારતમાંથી કોટન કપડાની નિકાસ થાય છે અને ૫૦ ટકા ટેરિફના કારણે આ નિકાસ અટકી જવાથી કોટન યાર્ન અને કપડા બનાવતી સેંકડો કંપનીઓ બંધ થઈ ગઈ છે અથવા તો તેનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે.
