ભાસ્કર એક્સક્લુસિવ:31 વર્ષના બેંક મેનેજર 10 વર્ષમાં BAની ATKTની પરીક્ષામાં 20 વાર નાપાસ થયા, 21મી વાર ડમી બેસાડ્યો પણ ચહેરો મેચ ન થતાં ઝડપાયા

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

ખાનગી બેંકના આસિસ્ટન્ટ મેનેજર 31 વર્ષીય યુવકે 10 વર્ષમાં 20 વખત એટીકેટીની પરીક્ષા આપી હતી છતાં બીએની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા તે પાસ કરી શકયો ન હતો. આખરે 21મી વખત પોતાના મિત્ર અને પોલીસ પરીક્ષા પાસ કરનારને પોતાની જગ્યાએ બેસાડી દીધો હતો. જો કે, આ ગંભીર ગેરરીતિને કોલેજે પકડી પાડી હતી. પરીક્ષાર્થીનો ચહેરો અને આઇકાર્ડ મેચ ન થતાં તે ઝડપાઈ ગયો હતો. કોલેજે તરત જ પોલીસ મથકમાં ફરિયાદ કરી નર્મદ યુનિવર્સિટીને ડમી વિદ્યાર્થીનો કેસ બનાવી મોકલી આપ્યો હતો. ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટ્સ-2024 અતર્ગત માલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીના નિયમ અમલમાં આવ્યા બાદ યુનિવર્સિટીમાં ડમી વિદ્યાર્થીનો પહેલો કેસ નોંધાયો છે. પહેલાં યુનિવર્સિટીમાં ફેક્ટ હતું, જેમાં ડમી પકડાય તો મૂળ વિદ્યાર્થીનું રિઝલ્ટ કેન્સલ કરી 3 વર્ષ સુધી પરીક્ષામાં બેસી ન શકે તેમજ પ્રવેશ પણ નહીં મળે. ઉપરાંત ડમીને સજા મળે તે માટે તેની સંસ્થાને પત્ર લખાતો હતો. ફોટો જુદો લાગતાં આઇકાર્ડ માંગ્યો તો આપવાની ના પાડી, આચાર્યએ તપાસ કરતાં ભાંડો ફૂટ્યો
યુનિવર્સિટીની બીએની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન ક્લાસના સુપરવાઇઝર વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં ઉત્તરવહી નંબર લખવા ઉપરાંત એમાં સહિ પણ કરતા હોય છે. આ ઉપરાંત હોલ ટિકિટનો ફોટો અને પરીક્ષાર્થીનો ચહેરો પણ મેચ કરતા હોય છે. એ સમયે હોલ ટિકિટ પરનો ફોટો અને જે તે પરીક્ષાર્થીનો ચહેરો અલગ દેખાતાં સુપરવાઇઝરે તેની પાસે આઇકાર્ડ માંગ્યો હતો. જે આઇકાર્ડના ફોટો સાથે પણ તેનો ચહેરો મેચ થતો ન હતો, જેથી આખરે સુપરવાઇઝરે તરત જ તેની પાસે આઇકાર્ડ માંગ્યો હતો, જે ડમી પરીક્ષાર્થીએ આપવાની ના પાડી દીધી હતી, જેથી સુપરવાઇઝરે તાત્કાલિક કોલેજના પ્રિન્સિપાલને બોલાવીને તપાસ શરૂ કરાવી હતી, જેમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. સીસીટીવી ફૂટેજ સાથેનો રિપોર્ટ બનાવીને યુનિવર્સિટીને સોંપાયો
ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટ્સ-2024 હેઠળ માલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી (MPEC)ના નિયમ મુજબ પ્રિન્સિપાલે તરત જ ડમીનો રિપોર્ટ બનાવી યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો, જેમાં સીસીટીવી ફૂટેજ પણ છે. સાથે પોલીસ મથકમાં પણ અરજી કરી હતી. ભાસ્કર એક્સપર્ટ
નિયમ મુજબ સેમેસ્ટરની તમામ પરીક્ષા રદ થાય, 10 હજારનો દંડ પણ કરાય છે
​​​​​​​આ કેસમાં ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટ-2024 હેઠળ માલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીના નિયમ લાગુ પડતા હોય છે, જેથી તે નિયમ અનુસાર જે તે સેમેસ્ટરની તમામ વિષયની પરીક્ષાઓ રદ થઈ જાય છે તેમજ ત્યાર પછીની પરીક્ષામાં પણ બેસવા દેવાતા નથી. 10 હજારનો દંડ પણ થાય છે અને યુનિવર્સિટી કાયમી ધોરણ જે તે વિદ્યાર્થીને કાયમી ધોરણે ડિબાર કરી શકે છે. > ડો. ભાવેશ રબારી, એડવોકેટ


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *