ભુજ શહેરમાં અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપરથી ભુજના જુબેલી ગ્રાઉન્ડ સુધી 7 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યુનિટી માર્ચનો મુખ્ય સંદેશ ‘હર ઘર સ્વદેશી અપનાવો’ હતો. પદયાત્રામાં સત્તાપક્ષના પદાધિકારીઓ, વહીવટી તંત્રના કર્મચારીઓ અને નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. માધાપરમાં સરદાર પટેલની પ્રતિમા સ્થળેથી પ્રસ્થાન કરીને આ યાત્રા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા સાથેની આ લોકયાત્રાનું દેશભક્તિના ગીતો સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં ઉપસ્થિત જનસમૂહને સ્વદેશી અપનાવી દેશની તાકાત વધારવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, દેશની અખંડતા માટે અનેક સફળતાઓ મેળવનાર અને પોતાનું જીવન દેશ સેવા માટે સમર્પિત કરનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જે લોકોને દેશદાઝ અને સ્વદેશી અપનાવવાનો સંદેશ આપશે.
ભુજમાં સરદાર પટેલના સન્માનમાં યુનિટી માર્ચ:150મી જન્મજયંતિ નિમિત્તે 7 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
