ભુજ નજીક હરીપર માર્ગ પર આવેલા 176 બટાલિયન BSF કેમ્પ ખાતે સીમા સુરક્ષા બળના 60મા સ્થાપના વર્ષની હિરક જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. 21 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ભવ્ય પરેડ સમારોહ યોજાશે. આ કાર્યક્રમનું રિહર્ષલ આજે યોજાયું હતું. આ પ્રસંગે જમ્મુથી ભુજ સુધીની BSFના મહિલા અને પુરુષ જવાનોની એકતા બાઇક રેલીનો સમાપન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. રિહર્ષલ દરમિયાન બે કલાક લાંબો ભવ્ય પરેડ સમારોહ યોજાયો હતો. સીમા સુરક્ષા બળના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કમાન્ડિંગ ઓફિસરે કમાન સંભાળી હતી. યુનિફોર્મમાં સજ્જ મોટી સંખ્યામાં જવાનોએ એકતાલથી પરેડ કરી હતી. આ પરેડમાં તાલીમબદ્ધ ઊંટ, ઘોડા અને શ્વાન પણ સામેલ કરાયા હતા. આ રિહર્ષલમાં દેશની તાકાત દર્શાવતા શસ્ત્ર સરંજામનું શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડમી ડ્રોન હુમલાનું નિદર્શન કરાયું હતું. રિહર્ષલ જોવા માટે મોટી સંખ્યામાં જવાનોના પરિજનો, શાળાના બાળકો અને વિવિધ વિંગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિસ્તબદ્ધ પરેડ ઉપરાંત, જવાનો દ્વારા શૌર્ય અને સાહસના પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન સામેના ‘ઓપરેશન સિંધુ’માં સહભાગી થયેલા તોપખાના અને હથિયારોની ઝાંખી રજૂ કરાઈ હતી. BSFના 7 જવાનોએ 6 હજાર ફૂટની ઊંચાઈએથી પેરાગ્લાઈડિંગ કરીને કાર્યક્રમ સ્થળે સફળ ઉતરાણ કર્યું હતું. ડ્રોન શક્તિનું પણ વિવિધ રીતે પ્રદર્શન કરાયું હતું, જેમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ વેનમાં સવાર ઓપરેટર દ્વારા દુશ્મન દેશના ડ્રોનને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયાનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા બાઇક વિંગ દ્વારા સાહસિક કરતબો અને તાલીમબદ્ધ શ્વાન દ્વારા આશ્ચર્યજનક પ્રદર્શનો પણ રજૂ કરાયા હતા, જેને ઉપસ્થિત જનસમુહે તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. કાર્યક્રમના અંતે, ભુજની વિવિધ શાળા-કોલેજોના 160 વિદ્યાર્થીઓએ ગુજરાતી ગરબાના તાલે રાસ રજૂ કર્યો હતો. આ તમામ પ્રદર્શનો અને કાર્યક્રમો 21 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.
ભુજ BSF કેમ્પમાં હિરક જયંતિની ઉજવણીનું રિહર્સલ:21 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ભવ્ય પરેડ સમારોહ યોજાશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
