સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે આકરૂં વલણ અપનાવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજે 25 જેટલા યુનિયનોને નોટિસ ફટકારવામાં આવી હતી. જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા 11 યુનિયનોને 7 દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ વચ્ચે મુદત પૂર્ણ થતાં જ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી. બે યુનિયનોએ તો સ્વેચ્છાએ ઓફિસનો કબજો સોંપી દીધો, પરંતુ અન્ય 9 જેટલા યુનિયનોના નેતાઓ તેમની ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા હતા. 9 યુનિયનના નેતા ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા
બુધવારે(19 નવેમ્બર) સાંજે 6:10 વાગ્યે આ 7 દિવસની મુદત પૂરી થતાં જ પાલિકાના સેન્ટ્રલ ઝોનની દબાણ ખાતાની ટીમ એક્શનમાં આવી હતી અને પાલિકા પરિસરમાંથી યુનિયનોના બોર્ડ ઉતારી દીધા હતા. આ કાર્યવાહી દરમિયાન રૂમ નંબર-24માં બેસતા સુરત સુધરાઈ મજદૂર યુનિયન અને સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર મંડળે સ્વેચ્છાએ ઓફિસનો કબજો પાલિકા તંત્રને સોંપી દીધો હતો. જોકે, અન્ય 9 યુનિયનના નેતાઓ ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા હતા. પોલીસ-સિક્યુરિટી બોલાવી યુનિયનોની ઓફિસોનો કબજો લીધો
સાત દિવસની મુદત પૂર્ણ થયા બાદ પણ કાયદેસરતાના પુરાવા રજૂ ન કરનાર અને ઓફિસ ખાલી ન કરનાર યુનિયનો સામે પાલિકા તંત્રએ મોડી રાત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી. બુધવારે મોડી રાત્રે પાલિકા દ્વારા પોલીસ અને સિક્યુરિટીનો કાફલો બોલાવીને યુનિયન ઓફિસોનો કબજો લેવામાં આવ્યો હતો. માત્ર પાંચ જેટલા યુનિયનોએ જ નોંધણીના પુરાવા રજૂ કર્યા છે, જ્યારે અન્ય યુનિયનોના વાર્ષિક હિસાબો અને નાણાકીય વ્યવહારોની ઊલટતપાસ કરવામાં આવી શકે છે. પાલિકા પર ઓફિસના તાળાં તોડીને પ્રવેશ કરવાનો ગંભીર આક્ષેપ
પાલિકાની આ મધરાતની કાર્યવાહીના પગલે યુનિયન સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરીની બહાર એકત્ર થઈ ગયા હતા અને સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ કરનારા લોકોએ પાલિકા તંત્ર પર તેમની ઓફિસના તાળાં તોડીને પ્રવેશ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે તેમની ઓફિસમાં મૂકવામાં આવેલા મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર સહિતની કિંમતી વસ્તુઓ બહાર કાઢી મૂકવામાં આવી હતી. યુનિયનના લોકોએ લાલગેટ પહોંચીને રજૂઆત કરી હતી
આ કાર્યવાહીને પગલે યુનિયનના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓએ રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી હતી. ‘કર્મચારીઓના હક માટે યુનિયન લડશે તેઓને આ જ પ્રકારે હેરાન કરાશે’
સુધરાઇ કામદાર સ્ટાફ યુનિયનના પ્રમુખ ઈકબાલ ભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે અધિકારીઓની તાનાશાહી ચાલી રહી છે. કર્મચારીના હિતમાં જે પણ લડશે તેનું આ જ પરિણામ આવશે. કારણ કે લોકશાહી ખતમ થવા આવી રહી છે. કર્મચારીઓના હક માટે જે પણ યુનિયન લડશે તેઓને આ જ પ્રકારે હેરાન કરવામાં આવશે, પરંતુ અધિકારીઓ યુનિયનના બોર્ડ ઉતારી શકે છે યુનિયનની ઓફિસ ખાલી કરાવી શકે છે પરંતુ યુનિયનનો અવાજ નહીં દબાવી શકે. સચ્ચાઈની લડત લડવા માટે કોઈ ઓફિસની જરૂરિયાત હોતી નથી. ઓફિસની જરૂરિયાત અધિકારીઓને હોય છે. ઓફિસ ભલે બંધ કરાવે પણ યુનિયનની કોઈ પ્રવૃત્તિ કે કર્મચારીઓના હિત માટે કરવામાં આવતું કોઈ કામ અટકશે નહીં.
મધરાત્રે પાલિકામાં 'ઓપરેશન યુનિયન':મનપા કચેરીમાં ઓફિસનો કબજો લેવા કાર્યવાહી, તાળાં તોડવાના આક્ષેપ સાથે યુનિયનોનો વિરોધ, નોટિસ બાદ તંત્રનું આકરું વલણ
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
