જૂનાગઢ જિલ્લાના માણાવદર-વંથલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ‘ફોન કોલ’ અને ‘સળી’ના મુદ્દે એક મોટો અને ઉગ્ર વિવાદ ઊભો થયો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન, ખાતરની અછત અને રોડ-રસ્તાની બિસ્માર હાલત જેવી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને પૂરતો પ્રતિસાદ મળતો નથી. આ મામલે ધારાસભ્યએ આપેલા નિવેદનથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ‘મને જે લોકો સળી કરે છે તેનો જવાબ હું આપતો નથી’
ધારાસભ્ય અરવિંદ લાડાણીનું એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘મને જે લોકો સળી કરે છે તેનો જવાબ હું આપતો નથી. આ અંગે તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ સળી કરવા વાળા હોય તેમાં હું ગંભીરતા રાખું છું અને તેવા ફોન ઉપાડતો પણ નથી. ‘ખેડૂતોએ મને ફરિયાદ કરી હોય તે વાત તદ્દન ખોટી છે’
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખેડૂતોએ મને ફરિયાદ કરી હોય તે વાત તદ્દન ખોટી છે અને જો કોઈ એવા ખેડૂત હોય તો તેમને મારી સામે લઈ આવો. તેઓ કહે છે કે ક્યારેક કવરેજ ન હોય, ક્યારેક મીટિંગમાં હોઈએ અને વીડિયો આવે પછી હું જોઈ લઉં પછી મારે તેને ફોનમાં જવાબ દેવાનો થતો નથી, કેમ કે એણે મને રજૂઆત તો કરી દીધી. ‘અરવિંદભાઈ સળી તો તમે પહેલા કરી છે’
જોકે, ધારાસભ્યના આ નિવેદનથી ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. વંથલી તાલુકાના બંટીયા ગામના ખેડૂત પ્રકાશ જલુ એ ધારાસભ્ય લાડાણીને સીધો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, ‘અરવિંદભાઈ સળી તો તમે પહેલા કરી છે. વર્તમાન સમસ્યાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી, કમોસમી વરસાદથી ખેડૂતોને મોટેપાયે નુકસાની થઈ છે, ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે અને રોડ રસ્તા ભંગાર હાલતમાં છે. ત્યારે લોકો ધારાસભ્યને ફોન કરે તો તેને એવું કેમ લાગે છે કે તેને સળી કરવા માટે ફોન કરે છે? હવે જ્યારે લોકો કોલ કરે તો શા માટે તમને સળી લાગે છે?
તેમણે ધારાસભ્યના ચૂંટણી સમયના વાયદાઓને યાદ કરાવતા કહ્યું કે, ચૂંટણી સમયે અરવિંદ લાડાણી કહેતા હતા કે મને કાળી રાતે કામ હોય તો પણ કોલ કરજો, તમારા કામ કરવા માટે હું ગમે ત્યારે હાજર રહીશ, તો હવે જ્યારે લોકો કોલ કરે છે તો શા માટે તમને સળી લાગે છે? ‘ખેડૂતોના મગજ જશે ત્યારે નામ નિશાન નહીં હોય’
માણાવદર મતવિસ્તારના અન્ય એક ખેડૂત આગેવાને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બોલું છું, જે નેતાઓને મગજમાં ઘમંડ આવી ગયા છે. જે સામાન્ય માણસ અને ખેડૂતોના પૈસે જે લીલાલેર કરે છે અને મોટા મોટા કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરે છે તેવા લોકોને હું કહું છું કે જેદી ખેડૂતોના મગજ જશે ત્યારે નામ નિશાન નહીં હોય, પહેરવા ચડી નહીં રહે યાદ રાખજો. આ ખેડૂતો નબળા છે તેવું ન માનતા. ‘ભાજપમાં ગયા બાદ અરવિંદભાઈ કેમ કંઈ સાંભળતા નથી’
આ ખેડૂત આગેવાને ધારાસભ્ય અરવિંદ લાડાણી પર આરોપ લગાવ્યો કે કમોસમી વરસાદ થયો અને ત્યારબાદ ખેડૂતોએ રજૂઆત કરવા માટે જ્યારે ધારાસભ્યને ફોન કર્યા ત્યારે એક પણ ફોન અરવિંદભાઈ લાડાણીએ ઉઠાવ્યા ન હતા, જેની બધી એ સાબિતી મારી પાસે છે. ખાતરમાં જે ડુપ્લિકેટ ખાતર આવે છે તેના માટે પણ કોલ કર્યા હતા, ત્યારે અરવિંદભાઈ લાડાણીએ મને કહ્યું હતું કે તમારે જે પ્રશ્ન હોય તે લેખિતમાં આપો. હાલ જ્યારે ડિજિટલ ઇન્ડિયા છે, ત્યારે જેને કામ કરવું હોય તેને લેખિતમાં આપવાની કોઈ જરૂર નથી. જ્યારે અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસમાં હતા, ત્યારે ખેડૂતોના અનેક મુદ્દાઓ લઈને આવતા હતા, પરંતુ ભાજપમાં ગયા બાદ કેમ કંઈ સાંભળતા નથી. ‘MLAએ કોઈ વિકાસના કામ કર્યા નથી અને તદ્દન ખોટી વાતો કરે છે’
ખેડૂતો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોઈ વિકાસના કામ કર્યા નથી અને તદ્દન ખોટી વાતો કરે છે. વંથલીથી માણાવદરનો રોડ બાર વર્ષથી બન્યો નથી, ત્યારે આનાથી મોટી સળી કઈ હોઈ શકે. ઉપરાંત, વંથલી માણાવદરમાં જે ટીકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે છે ત્યાં એક પણ સીસીટીવી કેમેરા નથી અને ખેડૂતોની મગફળી પણ વધુ પ્રમાણમાં રિજેક્ટ કરવામાં આવે છે. હાલ મંડળીઓમાં ખાતર પણ સમયસર મળતું નથી અને માણાવદર તાલુકામાં ઘણી બોગસ મંડળીઓ ચાલે છે, પરંતુ તે મામલે એક પણ વખત ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી નથી. અરવિંદભાઈ લાડાણી પ્રજાએ તમને મત આપી કોંગ્રેસ પક્ષમાંથી જીતાડ્યા અને તમે ભારતીય જનતા પાર્ટીમાં પક્ષપલટો કરી ગયા આ જ સૌથી મોટી ‘સળી’ છે.
'મને સળી કરવા વાળાના ફોન હું ઉપાડતો નથી':MLA અરવિંદ લાડાણીના નિવેદનથી ખેડૂતોમાં ભારે રોષ, કહ્યું- 'કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જઈ સળી તો તમે પહેલા કરી છે'
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
