માતા પુત્ર સામે છેતરપીંડીની ફરિયાદ:બેંક ઓફ બરોડામાંથી 49.50 લાખની હોમ લોન લીધા બાદ બનાવટી NOC તૈયાર કરી, લોન ક્લોઝ કર્યાનો દેખાડો કરી કેનેરા બેંકમાંથી નવી લોન મેળવવાનો પ્રયાસ કર્યો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

બેંક ઓફ બરોડાની જવાહરનગર વિસ્તારમાં આવેલી રણોલી શાખામાંથી હોમ લોન લીધા બાદ માતા પુત્રએ બેંકના લેટરહેડ પર બનાવટી એનઓસી તૈયાર કરીને લોન ક્લોઝ કર્યાનો દેખાડો કરીને કેનેરા બેંકમાંથી નવી લોન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બેંકને આશરે 49.50 લાખ રૂપિયાના આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બેંક ઓફ બરોડાની રણોલી શાખાના મેનેજરે માતા પુત્ર સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બેંક ઓફ બરોડાના રણોલી શાખાના મેનેજર અમિતકુમાર રામ ઇકવાલ રાયે સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વડોદરાના તરસાલી વિસ્તારમાં પલાસ હાઈટ્સ-2માં બે ફ્લેટ ખરીદવા કેવિન કરકર અને તેમની માતા બકુલાબેન કિશોરભાઈ કરકરે બેંકમાંથી કુલ 49.50 લાખ રૂપિયાની હોમ લોન લીધી હતી. બંને લોનના થોડા હપ્તા ભર્યા બાદ તેઓએ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું અને એકાઉન્ટ અનિયમિત થઈ ગયું હતું. ત્યારબાદ કેનેરા બેંકની સમા રોડ શાખામાંથી બેંક ઓફ બરોડાને એક ઈ મેઈલ આવ્યો હતો, જેમાં કેવિન કરકર અને બકુલાબેન કરકરની બેંક ઓફ બરોડાની બંને હોમ લોનની બાકી રકમ ચુકવીને લોન ક્લોઝ કરી દેવાઈ હોવાનું જણાવતું એનઓસી જોડેલું હતું. આ એનઓસી બેંક ઓફ બરોડાના અધિકૃત લેટરહેડ પર તૈયાર કરવામાં આવ્યું હતું અને તેમાં સિનિયર બ્રાન્ચ મેનેજરની સહી તથા બેંકનો સ્ટેમ્પ પણ લાગેલો હતો. આ એનઓસીની ચકાસણી કરતાં બેંક ઓફ બરોડાના તત્કાલીન મેનેજર શ્રીકાંતકુમાર જીતનપ્રસાદને ખાતરી થઈ કે, બંને લોન એકાઉન્ટમાં હજુ મોટી રકમ બાકી છે અને આ એનઓસી સંપૂર્ણપણે બનાવટી છે. બેંકે તુરત જ કેનેરા બેંકને જાણ કરી દીધી કે, આવું કોઈ એનઓસી અમે જારી કર્યું નથી. બેંકના મેનેજર અમિતકુમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, કેવિન કરકર અને બકુલાબેન કરકરે બેંક સાથે છેતરપીંડી કરવાના ઈરાદે બેંકના લેટરહેડ, સહી તથા સ્ટેમ્પનો દુરુપયોગ કરીને ખોટું એનઓસી તૈયાર કર્યું હતું અને તેનો ઉપયોગ કરીને કેનેરા બેંકમાં નવી લોન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી બેંકને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા હતી. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં કેવિન કરકર અને બકુલાબેન કિશોરભાઈ કરકર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *