- યુવતી સાથેનો વીડિયો સાયબર ક્રાઇમમાંથી કઢાવવા માટે કહેતાં ફસાયો
- રૂ. 2 લાખ લઇ લીધા બાદ સતત ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો
- માધાપર પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી
માધાપરના ગેરેજ સંચાલકને ગામના જ શખસે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી વીડિયો ડિલીટ કરાવી નાખવા માટે રૂ. 2 લાખ પડાવી લીધા હતા. જે મામલે માધાપર પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે માધાપરના ગેરેજ સંચાલક દેવશીભાઇ તુલસીભાઇ પરમારે માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે બે મહિના પહેલાં દેવશીને તેના ફેસબુક પર નીલમ જાદવ નામની યુવતી દ્વારા રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. જે એક્સેપ્ટ કર્યા બાદ યુવતીએ તેને પોતાનો નંબર આપીને દેવશીનો નંબર મેળવ્યો હતો.યુવતીએ દેવશીને વ્હોટસએપ પર વીડિયો કોલ કરીને વાતચીત કરીને અચાનક તે નિર્વસ્ત્ર બની ગઇ હતી. યુવતીએ દેવશીને પણ વસ્ત્રો ઉતારવા કહ્યું હતું, પરંતુ દેવશી ગેરેજમાં હોવાથી તેણે ફોન કટ કર્યો હતો. થોડા સમય બાદ નીલમે પોતે રેકોર્ડ કરેલા અભદ્ર વીડિયો દેવશીને વ્હોટસએપમાં મોકલ્યા હતા.
બાદમાં અજાણ્યા નંબર પરથી વ્હોટસએપ કોલ આવ્યો હતો. સામેછેડે રહેલા શખસે દેવશીને કહ્યું કે, મૈ રવિકુમાર બોલ રહા હું, તેરા નીલમ કે સાથેમેં વીડિયો કોલ થા વો યુટયુબ પર વાયરલ કર દુંગા તેમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો. રૂપિયા પડાવવા માટે આખો ખેલ હોવાનું દેવશી પામી ગયો હતો અને તેથી તેણે તેના મિત્ર બ્રિજેશ પરમારને વાત કરતાં બ્રિજેશે માધાપરની ગ્રીનસીટીમાં રહેતા યશ ભટ્ટ નામના શખસ સાથે મુલાકાત કરાવી હતી. યશે દેવશીને પોતાની સાયબર ક્રાઇમમાં ઓળખાણ હોવાનું કહીને વીડિયો ડિલીટ કરાવવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે, બપોરે યશે દેવશીને ફોન કરીને કહ્યું કે, વીડિયો ડિલીટ કરવા માટેની તારી ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવાઇ છે અને તે માટે રૂ.10 હજારનો ખર્ચ થશે તેમ કહીને રૂપિયા પડાવવાનું ચાલુ કર્યું હતું. માધાપર પોલીસે આઇપીસી 404, 420, 384 તથા 506 સહિતની કલમો તળે ગુનો નોંધીને આરોપી યશને પકડી પાડયો હતો.
રૂ. 10 હજાર મેળવ્યા બાદ વધુ ધમકી આપી
આરોપી યશ ભટ્ટે દેવશીને વીડિયો ક્લિપ સગા-સંબંધીઓમાં વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. જોકે, બે મહિના દરમ્યાન દેવશી પાસેથી આરોપી યશ ભટ્ટે ટુકડે-ટુકડે રૂ.2 લાખ રૂપિયા પડાવી પાડયા હતા. બે લાખ પડાવ્યા બાદ અટક્યું નહોતું. બાદમાં દેવશી મુંબઇ જતાં ત્યારે પણ ફોન કરીને રૂ. 22 હજાર માગ્યા હતા. તેથી દેવશીએ રૂપિયા આપતા પહેલાં સંબંધીઓને વાત કરતાં સંબંધીઓએ પોલીસ ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી તેથી ગુનો નોંધાવ્યો હતો.
