મુખ્યમંત્રી કાર્યાલયના આદેશથી બસ સેવા પુનઃ શરૂ:બે મહિનાથી બંધ સંતરામપુર-આણંદ રૂટ પર વિદ્યાર્થીઓને રાહત

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સંતરામપુર-આણંદ રૂટ પર છેલ્લા બે મહિનાથી બંધ પડેલી બસ સેવા મુખ્યમંત્રી કાર્યાલયના સીધા આદેશ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં રાહતની લાગણી પ્રસરી છે. સંતરામપુર ડેપો દ્વારા અનિયમિત રીતે બંધ કરાયેલી આ બસ સેવાને કારણે કાંકણપુર, સેવાલીયા અને ડાકોર થઈને આણંદ જતા સેંકડો વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વિદ્યાર્થી અગ્રણી બારીઆ આશિષકુમાર ડી. દ્વારા 17 નવેમ્બર, 2025ના રોજ ગોધરા વિભાગીય કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સમસ્યાના ઝડપી નિરાકરણ માટે તેમણે રાજ્યના મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર દ્વારા 18 નવેમ્બર, 2025ના રોજ ગોધરા એસ.ટી. વિભાગીય નિયામકને તાત્કાલિક નિયમાનુસાર કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના આદેશના પગલે સંતરામપુર ડેપો દ્વારા ત્વરિત કાર્યવાહી કરી સંતરામપુર-આણંદ બસ સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. લાંબા સમય બાદ બસ સેવા ફરી શરૂ થતા શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને ડાકોર જતા શ્રદ્ધાળુઓમાં હાશકારો વ્યાપી ગયો છે.જોકે, સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રને અપીલ કરી છે કે ભૂતકાળમાં જે રીતે મનસ્વી રીતે બસ બંધ કરી દેવામાં આવી હતી તેવું પુનરાવર્તન ન થવું જોઈએ. આ બસ સેવા હવે નિરંતર અને નિયમિત રીતે ચાલુ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે ગોધરા ડિવિઝન કંટ્રોલર એમ.કે. ડામોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગોધરા વિભાગના તમામ ડેપોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોના હિતને પ્રાધાન્ય આપીને જ બસોનું સંચાલન કરવામાં આવે છે.તેમણે ઉમેર્યું હતું કે, ક્યારેક અનિવાર્ય વહીવટી કારણોસર અથવા સ્ટાફની અછતના લીધે અમુક બસો હંગામી ધોરણે બંધ કરવાની ફરજ પડતી હોય છે. સંતરામપુર-આણંદ રૂટ પણ વહીવટી મુશ્કેલીના કારણે ટૂંકા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. પરંતુ હવે વિદ્યાર્થીઓ અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને આ બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે અને તેને નિયમિત રીતે ચલાવવા સૂચના અપાઈ છે. મુસાફરોને આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *