મુલાકાત:અમેરિકાની યુનિ.ના પ્રતિનિધિએ કચ્છના પશુપાલન, ગ્રામ્ય જીવન વિશે રસ દાખવ્યો

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

કચ્છનું પશુધન વિવિધતાથી ભરેલું છે ત્યારે અમેરિકાની યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળને પણ તેમાં રસ પડ્યો છે અને ભુજની મુલાકાત લઈ વિવિધતા જાણી હતી. કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત ભુજની વેટરનરી કોલેજમાં અમેરિકાની પ્રસિદ્ધ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળના ડો.રેબેકા તથા ડૉ. એણેટએ કચ્છના વૈવિધ્યસભર પશુપાલન, ગ્રામ્ય જીવન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે ઊંડો રસ વ્યક્ત કર્યો હતો.આ ઉચ્ચસ્તરીય મુલાકાતને શક્ય બનાવવામાં નિશાબેન દેઢિયાની કાર્યશીલતા મહત્વપૂર્ણ રહી હતી. તેમની પહેલથી બે પ્રતિષ્ઠિત વિદેશી મહેમાનો તથા યુનિવર્સિટી વચ્ચે સહકારના નવા દ્વાર ખુલ્યા છે. વાઇસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક તથા ડૉ. જે. એસ. પટેલ, પ્રિન્સિપાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પ્રારંભિક સત્રમાં ડૉ. એચ. બી. પટેલે કોલેજની શૈક્ષણિક યાત્રા, સંશોધન કેન્દ્રિત પ્રવૃત્તિઓ તથા ખાસ કરીને કચ્છની વિશિષ્ટ ભૂગોળ, તેના ખેડૂત અને માલધારીઓનું જીવન, તેમજ ગ્રામ્ય અર્થતંત્રમાં પશુધનની અનિવાર્ય ભૂમિકા વિષે રાજ્યોક્ત, માહિતીપ્રદ અને આકર્ષક પ્રેઝેન્ટેશન આપ્યું. તેમની રજૂઆત દ્વારા કચ્છની ધરતી અને અહીંના લોકજીવનની પ્રાણશક્તિ મહેમાનો સમક્ષ અનોખી રીતે ઉજાગર થઈ. સાથે સાથે ફેકલ્ટીનું બ્રેઇન સ્ટોર્મિંગ સેશન રાખવામાં આવ્યું હતું.તેઓએ પ્રાણીઓને ભુજ ખાતે ઉત્તમ કક્ષાની સારવાર આપતા વેટરનરી ક્લિનિકલ કૉમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી.આ કાર્યક્રમનું સંચાલન ડૉ. પી. પી. ભાવસાર દ્વારા કરાયું, જ્યારે આભારવિધિ ડૉ. કે. કે. હડિયાએ કરી. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી સાથેના આ શૈક્ષણિક–સાંસ્કૃતિક સમન્વયના નવા પ્રયોગને ભવિષ્યમાં વધુ સશક્ત શૈક્ષણિક વિનિમય, સંશોધન સહકાર અને વૈશ્વિક શૈક્ષણિક જોડાણો માટે એક પ્રેરણાદાયી પગલું માનવામાં આવે છે.આજે આ પ્રતિનિધિઓ દ્વારા કચ્છનાં વિવિધ પશુ સારવાર માટેની સંસ્થા અને બાદમાં બન્ની વિસ્તારની મુલાકાત લેવામાં આવશે. અમેરિકામાં માત્ર ડોગ અને કેટ જ જોવા મળે છે
અમેરિકામાં માત્ર ડોગ અને કેટ જ જોવા મળે છે જ્યારે કચ્છ એક એવો જિલ્લો છે જ્યાં તમામ પ્રકારના પશુઓ જોવા મળે છે જ્યાં ગાય, ભેંસ, ઘોડા, ઉંટ તમામ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળતા હોવાથી સંશોધકો માટે પણ કચ્છ એક પ્રયોગશાળા બની રહે છે.આ મુલાકાતથી બંને યુનિવર્સિટી વચ્ચે કરાર થશે અને ભવિષ્યમાં કચ્છના વિદ્યાર્થીઓ અમેરિકા અને ત્યાંના વિદ્યાર્થીઓ કચ્છમાં આવશે તેવી શક્યતા પણ ઊભી થઈ છે બન્ની ભેંસને પણ નવી ઓળખ પ્રાપ્ત થશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *