મોકડ્રિલ:માલગાડી સ્ટેશન પર ઊભેલા કોચ સાથે અથડાઈ, 4 પૈડાં પાટા પરથી ઉતરી ગયા, કોચ કાપી 12 ઘાયલને સુરક્ષિત બહાર કાઢ્યા

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

બુધવારે સવારે લગભગ 8.30 કલાકે સુરેન્દ્રનગર પાસે ન્યારા એનર્જી પ્રા. લિ. સાઇડિંગથી રતલામ રેલવે ડિવિઝન સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન સાઇડિંગ જઈ રહેલી એક માલગાડીની સુરેન્દ્રનગર યાર્ડની લાઇન સંખ્યા 8 પર ઊભેલા એક કેમ્પિંગ કોચ સાથે અચાનક ટક્કર થઈ ગઈ. આ ટક્કરના પરિણામે કોચના ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં અને તેમાં હાજર 12 રેલવે કર્મચારીને ગંભીર ઈજાઓ થવાની સ્થિતિ દર્શાવવામાં આવી. ઘટનાની જાણ થતાં જ રાજકોટથી એક્સિડન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટ (ARME) તથા એક્સિડન્ટ રિલીફ ટ્રેન (ART) તરત જ સુરેન્દ્રનગર મોકલવામાં આવી. સાથે જ રેલવે અધિકારીઓ, સિવિલ પ્રશાસન, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, આરપીએફ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દળ તથા નજીકની હોસ્પિટલોને સૂચિત કરીને રાહત કાર્યોની રૂપરેખા સક્રિય કરી દેવામાં આવી. સાઇટ પર પ્રાથમિક ઉપચાર માટે તંબુઓ સ્થાપિત કરાયા, યુનિફાઇડ કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું તથા સહાયતા/માહિતી માટે હેલ્પલાઇન બૂથ પણ સંચાલિત કરાયા. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, ડિવિઝનલ સુરક્ષા અધિકારી આર.સી. મીણા, વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના તથા NDRFના વરિષ્ઠ અધિકારી અનુપમના માર્ગદર્શન હેઠળ સંયુક્ત બચાવ યોજના પર કાર્ય કરાયું. રેલવે અને NDRFની ટીમોએ સંકલિત કાર્યવાહી કરતાં કોચને કાપીને તમામ 12 ‘ઘાયલ’ કર્મચારીઓને સ્ટ્રેચરની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા. બપોરે લગભગ 11.33 કલાકે સમગ્ર પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરતાં તેને મોકડ્રિલ જાહેર કરી. રેલવેના ઓપરેટિંગ, સેફટી, ઈજનેરી તેમજ મેડિકલ ટીમને તાત્કાલિક બોલાવાઇ
ડ્રિલ દરમિયાન ઘાયલોને બહાર કાઢવા, પ્રાથમિક ઉપચાર, ભીડ નિયંત્રણ, સંચાર વ્યવસ્થા, સુરક્ષાના પગલાં તથા રાહત પ્રવૃત્તિઓનું વિસ્તૃત અનુસરણ કરવામાં આવ્યું. અભ્યાસના અંતે સમીક્ષા બેઠકમાં સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત સુધારણાના મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. આ સંયુક્ત અભ્યાસમાં રેલવેના ઓપરેટિંગ, સેફ્ટી, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ, મિકેનિકલ, સુરક્ષા, વાણિજ્યિક, મેડિકલ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત NDRF, પોલીસ, મેડિકલ અને સિવિલ પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *