મોરબીમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રા:રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પ્રસ્થાન કરાવ્યું, અનેક મહાનુભાવો જોડાયા

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે મોરબીમાં જિલ્લા કક્ષાની એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજકીય આગેવાનો, કલેક્ટર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. યાત્રા મોરબીના સનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થઈને મણીમંદિર સુધી યોજાઈ હતી. મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શ્રમ, રોજગાર અને કૌશલ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સનાળા રોડ પરની સરદાર પટેલની પ્રતિમા પાસેથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા સહિતના અગ્રણીઓ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં એકતા યાત્રામાં જોડાયા હતા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે “જય સરદાર”ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આ તકે જણાવ્યું હતું કે, દેશના 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનું મહત્વનું યોગદાન હતું, જેના કારણે તેઓને ‘લોખંડી પુરુષ’ તરીકે ઓળખવામાં આવે છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના નિર્માણ માટે જે ફાળો એકત્ર કરાયો હતો, તેમાં મોરબીના ઉદ્યોગકારોએ નરેન્દ્ર મોદીની ચાંદીથી તુલા કરી હતી તે ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મોરબી માટે ગર્વની વાત છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *