મોરબી LCB ટીમે રણછોડનગર મેઈન રોડ પરથી દારૂ ભરેલી એક ઈકો કાર ઝડપી પાડી છે. આ કારમાંથી કુલ 852 બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે, કાર ચાલક પોલીસને જોઈને વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 10.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લા LCB ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા અને વિક્રમભાઈ રાઠોડને ખાનગી બાતમી મળી હતી કે, રણછોડનગર વિસ્તારમાં આવેલી શાંતિવન સ્કૂલ તરફથી GJ 3 NK 3973 નંબરની ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને એક વ્યક્તિ પસાર થવાનો છે. આ બાતમીના આધારે LCB ટીમે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી અને પૂરઝડપે કાર ભગાવી હતી. થોડે આગળ જઈને ચાલકે કાર છોડી દીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ LCB ટીમે કારની તપાસ કરતા તેમાંથી દારૂની 276 મોટી અને 576 નાની બોટલો મળી આવી હતી, જેનો કુલ જથ્થો 852 બોટલ થાય છે. પોલીસે રૂ. 5.88 લાખનો દારૂ, રૂ. 20,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને રૂ. 4 લાખની ઈકો કાર સહિત કુલ રૂ. 10.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં 852 બોટલ દારૂ ભરેલી ઈકો ઝડપાઈ:કારચાલક ફરાર, LCBએ 10.08 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
