રાજકોટના રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીમાં આગામી 22 નવેમ્બરના રોજ એક ભવ્ય અને વિશાળ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, ‘રાજકોટની કલ આજ ઔર કલ’ જેવા આ ખાસ ચિત્ર પ્રદર્શનને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવનાર છે. આ ચિત્ર પ્રદર્શન માત્ર એક કલા પ્રદર્શન નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની છેલ્લાં પાંચ દાયકાની (50 વર્ષની) અવિરત વિકાસ યાત્રાને ચિત્રો, ફોટોગ્રાફ્સ અને માહિતી દ્વારા સજીવન કરવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. જેમાં રાજકોટનાં ભવ્ય ભૂતકાળનાં અનેક દુર્લભ ચિત્રો, 20 વર્ષમાં વિકસિત થયેલો વર્તમાન ઉપરાંત રાજકોટનું ઉજ્જવળ ભવિષ્ય એકસાથે જોવા મળશે. હાલ આ માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટનાં ડે. કમિશ્નર ચેતન નંદાણીએ ચિત્ર પ્રદર્શનની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટનો ભૂતકાળ કે જેમાં કઈ રીતે શહેર અસ્તિત્વમાં આવ્યું તેનો કઈ રીતે વિકાસ થયો અને હવે શહેર ભવિષ્યમાં ક્યાં જશે તેનો ચિતાર દર્શાવવાનો પ્રયાસ આ ચિત્ર પ્રદર્શનમાં કરવામાં આવ્યો છે. અમુક જુની બાબતો ભુલાઈ ગઈ છે. જ્યારે અમૂક બાબતો અત્યારે પણ યથાવત છે. ત્યારે શહેરમાં કેવા-કેવા ફેરફાર થયા છે તે લોકો જાણી શકશે. તેમજ આપણી સંસ્કૃતિ અને અલભ્ય બાબતોને પણ આવરી લેવામાં આવી છે. અને આર્ટ ગેલેરીમાં એકંદરે પાંચ દાયકાનું રાજકોટ જીવંત થાય તે પ્રકારની ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોને રાજકોટના ભવ્ય ભૂતકાળ, ગૌરવશાળી વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની એક સાથે ઝલક પ્રદાન કરવાનો છે. આ પ્રદર્શનમાં પ્રસ્તુત થનારી વિગતો રાજકોટની વિકાસ ગાથાને અસરકારક રીતે રજૂ કરશે. મહાપાલિકાની વિકાસ યાત્રા અને તેના સારથી પ્રદર્શનનો એક મહત્વનો વિભાગ મહાપાલિકાની પાંચ દાયકાની વિકાસ યાત્રા પર કેન્દ્રિત છે. આ વિભાગમાં એ સમયગાળામાં થયેલા મુખ્ય પ્રોજેક્ટ્સ, સિદ્ધિઓ અને પરિવર્તનોને દ્રશ્યોના માધ્યમથી દર્શાવવામાં આવશે. આ સાથે જ, શહેરના વિકાસના પાયામાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે, તેવા ‘આ વિકાસના સારથી’ એટલે કે પદાધિકારીઓ અને અધિકારીઓના યોગદાનને પણ વિશેષ ફોટોગ્રાફ્સ અને સંક્ષિપ્ત માહિતી દ્વારા સન્માન આપવામાં આવશે. આ વિભાગ થકી નવી પેઢીને શહેરના નિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવો વિશે જાણકારી મળી શકશે. પાણી, બ્રિજ અને મહાનગરની મોટી યોજનાઓ કોઈપણ મહાનગરના વિકાસમાં પાણી, ગટર, રોડ અને બ્રિજ જેવા પાયાના માળખાગત કાર્યોનું મહત્વ સર્વોપરી હોય છે. ‘રાજકોટની કલ આજ ઔર કલ’ પ્રદર્શનમાં મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠાથી માંડીને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે બનાવવામાં આવેલા બ્રિજ સહિતની તમામ મુખ્ય યોજનાઓની વિગતવાર પ્રસ્તુતિ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, શહેરમાં પાણીની સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે લેવાયેલા પગલાં, સૌની યોજના સહિત નર્મદા આધારિત યોજનાઓ, જળ શુદ્ધિકરણ પ્લાન્ટ્સ અને વિતરણ નેટવર્કની વૃદ્ધિને આલેખવામાં આવશે. તેવી જ રીતે, શહેરમાં ટ્રાફિકને સુગમ બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલા ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજનું નેટવર્ક કેવી રીતે શહેરની ગતિ બની રહ્યું છે, તે દર્શાવવામાં આવશે. આ વિભાગ શહેરીજનોને સમજાવશે કે તેમની સુખાકારી માટે મહાપાલિકાએ કેવી રીતે દૂરંદેશી સાથે આયોજન કર્યું છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના રાજકોટની ઝલક પ્રદર્શનનો સૌથી આકર્ષક ભાગ રાજકોટના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની રજૂઆત છે. જેમાં ભૂતકાળના રાજકોટમાં શહેરના જૂના ફોટોગ્રાફ્સ, ઐતિહાસિક સ્થાનો અને તે સમયના જીવનની ઝલક પ્રસ્તુત કરવામાં આવશે. આ ભાગ શહેરીજનોને તેમના મૂળિયાં સાથે જોડશે. વર્તમાનના રાજકોટમાં હાલમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ, સ્માર્ટ સિટી પહેલ અને આધુનિક સુવિધાઓની માહિતી પણ આપવામાં આવશે. વર્તમાનમાં રાજકોટ જે ઝડપે આગળ વધી રહ્યું છે, તેનો ચિતાર આ વિભાગમાં મળશે. એટલું જ નહીં ભવિષ્યના રાજકોટની એક દૂરંદેશીભરી ઝલક પણ રજૂ કરવામાં આવશે. તેમાં આગામી 10 થી 20 વર્ષોમાં રાજકોટ કેવું દેખાશે, કેવા નવા પ્રોજેક્ટ્સનું આયોજન છે, ગ્રીન રાજકોટ અને ટેકનોલોજી આધારિત શહેરની સંકલ્પના કેવી હશે, તેના મોડેલ્સ અને ચિત્રો પ્રદર્શિત થશે. મનપાએ આ વિભાગ દ્વારા શહેરીજનોને એક વિકસિત અને આયોજનબદ્ધ ભવિષ્યની આશા આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતનાં મહત્વના પ્રકલ્પો કે જેનું મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરવાના છે તેને પણ અનોખી રીતે રજૂ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ચિત્ર પ્રદર્શન દ્વારા મહાપાલિકાએ માત્ર પોતાની સિદ્ધિઓ નહીં, પરંતુ શહેરના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આર્થિક વિકાસને પણ એક મંચ પર રજૂ કર્યો છે. આર્ટ ગેલેરીમાં એકંદરે પાંચ દાયકાનું રાજકોટ જાણે જીવંત થઈ ઉઠશે, જે શહેરીજનો, વિદ્યાર્થીઓ અને બહારથી આવતા મુલાકાતીઓ માટે પ્રેરણા અને જાણકારીનો સ્ત્રોત બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન થવાથી આ પ્રદર્શનને રાજ્ય સ્તરે પણ વિશેષ મહત્વ પ્રાપ્ત થશે.
'રાજકોટની કલ આજ ઔર કલ':CMનાં હસ્તે અદ્ભૂત ચિત્ર પ્રદર્શન ખુલ્લું મુકાશે, રાજકોટનાં ભવ્ય ભૂતકાળનાં દુર્લભ ચિત્રો, 20 વર્ષમાં વિકસિત થયેલો વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય એકસાથે જોવા મળશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
