રાજકોટમાં પતિનું પત્ની પર ફાયરિંગના કેસમાં CCTV સામે આવ્યા છે. યોગા ક્લાસિસમાંથી આવતા સમયે પતિ પત્નીનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે. ઝપાઝપી બાદ પતિ ફાયરિંગ કરી પોતાને ગોળી મારી દે છે. 15 નવેમ્બરે નાગેશ્વર વિસ્તારમાં કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ગોળી મારી બાદમાં પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવારમાં ખસેડવામાં આવી હતી. 17 નવેમ્બરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મને બનેવી ઘરે બોલાવી બહેનની સમજાવવા કહેતાંઃ મહિલાનો ભાઈ
બનાવ અંગે મૃતક મહિલાના ભાઈએ શનિવારે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારે ત્રણ બહેનો છે, જેમાં સૌથી મોટા સોનલબેન (નામ બદલ્યું છે) છે. દોઢેક મહિના પહેલા મારી બેનને અન્ય કોઈ વ્યક્તિ સાથેના અફેર બાબતે બનેવી સાથે ઝઘડો થયો હતો અને ત્યારથી મારી બેન તેની બહેનપણી સાથે રહેતી હતી. મારા બનેવી અવારનવાર મને ફોન કરી તેના ઘરે બોલાવી મારી બેનને સમજાવવા કહેતા હતા. ‘રાતે બેન-બનેવીને સમજાવી સમાધાન માટે કહ્યું હતું’
ગત 14 નવેમ્બરના રોજ સાંજના આશરે 6.30 વાગ્યાની આસપાસ બનેવીએ મને ફોન કરી તેના ઘરે બોલાવતા હું ત્યા ગયો હતો. રાત્રિના આશરે 11 વાગ્યાની આસપાસ હું તથા મારો ભાણેજ મારી બેન સાથે વાત કરવા તેની બહેનપણીના ઘરે ગયા હતા. જ્યાં મેં મારી બેનને સમજાવી હતી કે, તમે બંન્ને સાથે બેસીને જે કાઈ હોય તે બાબતે વાત કરી લ્યો. આ પછી બનેવીને ત્યાં બોલાવ્યા હતા, પરંતુ તેઓ વચ્ચે સમાધાન ન થતા અમે ત્રણેય ત્યાંથી જતા રહ્યા હતાં. હું પણ મારા બનેવીના ઘરે રાત્રે રોકાયો હતો. ‘બન્ને માથાકૂટ કરતા હોવાની જાણ થતાં હું અને ભાણેજ નીચે ગયાં’
બાદમાં 15 નવેમ્બરના સવારે 9 વાગ્યા આસપાસ ભાણેજના મોબાઇલમાં સતત રિંગ વાગતી હતી અને કોઇ દરવાજો ખખડાવતા હતા, જેથી મેં દરવાજો ખોલ્યો ત્યારે અમારા બનેવીના એપાર્ટમેન્ટમા રહેતા એક બેને કહ્યું કે, તમારા બેન-બનેવી સામેના એપાર્ટમેન્ટમાં નીચે માથાકુટ કરે છે. તમે લોકો નીચે આવો, જેથી હું તથા મારો ભાણેજ બંને સામેના એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા. ‘બનેવીએ મારી બેન ઉપર ફાયરિંગ કરી પોતે માથામાં ગોળી મારી’
અહીં મારા બનેવી પાર્કિગમાં નીચે જમીન પર લોહીથી લથપથ હાલતમાં હતા અને તેના મારા બનેવીના પગ પાસે પોતાના પરવાના વાળી રિવોલ્વર પણ હતી. ત્યાં હાજર લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, બેન તથા બનેવી વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં બનેવીએ મારી બેન ઉપર ફાયરિંગ કરતા મારી બેનને ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં બનેવીએ પોતે માથાના ભાગે ગોળી મારી દેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જો કે, આજે બે દિવસ બાદ ઈજાગ્રસ્ત બેનનું પણ મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. ગાંધીગ્રામ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. શું હતો સમગ્ર મામલો?
રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે આડાસંબંધને લઈ તકરાર ચાલી રહી હતી. પોતાના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સબંધ હતો, જેની જાણ થતા પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ તકરારને કારણે પત્ની 20 વર્ષના દીકરા અને પતિનું ઘર છોડીને સામેની બિલ્ડિંગમાં જ રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. છેલ્લા દોઢ મહિનાથી પતિ પત્નીને મનાવતો હતો અને પત્નીને બધુ ભૂલી પરત ઘરે આવી જવા માટે કહેતો હતો. આમ છતાં પત્ની ઘરે આવવા માટે તૈયાર નહોંતી. પત્નીને ફરી મનાવવા જતાં ઝઘડો થયો, જે લોહીયાળ બન્યો
15 નવેમ્બરની સવારે પતિ ફરી પત્નીને મનાવવા માટે તેના ઘરની સામેની બિલ્ડિંગમાં ગયો હતો. આ સમયે પત્ની પણ જીમમાંથી પરત જ આવી હતી. આ સમયે બિલ્ડિંગના પટાંગણમાં બન્ને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પરવાના વાળી રિવોલ્વરમાંથી પહેલાં પત્નીને ગોળી ધરબી અને બાદમાં પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બન્ને લોહીલુહાણ હાલતમાં જ સ્થળે ઢળી પડ્યાં હતાં. આ ઘટનામાં પતિએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટના સમયે હાજર પત્નીની બહેનપણીએ તુરંત 108ને જાણ કરી હતી અને તેણીને સારવાર અર્થે પહેલાં રાજકોટ સિવિલ અને પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઘટનાસ્થળે તપાસ કરતા પોલીસને 3 કાર્ટીસ મળી આવી હતી.
દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
સારવારમાં રહેલી પત્નીએ પણ આજરોજ દમ તોડી દીધો છે. કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સબંધે બે લોકોના જીવ લીધા છે, જ્યારે 20 વર્ષીય દીકરાએ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી છે. છેલ્લા ઘણા સમયથી પત્ની અને પતિ અલગ રહેતાં હતાં. 20 વર્ષીય દીકરી તેના પિતા સાથે રહેતો હતો, જ્યાંરે મહિલા પતિ સાથેના ઝઘડા બાદ સામેની બિલ્ડિંગમાં જ રહેતી તેની સહેલી સાથે રહેતી હતી. હાલમાં ગાંધીગ્રામ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે. ‘આ ચારેય થઈને મારા ભાઈનો જીવ લીધો’
ઘટના સમયે મૃતકની બહેને કહ્યું હતું કે, દોઢ વર્ષ ને દોઢ મહિનાથી બેય નોખા જ રહેતા હતાં. એને મારો ભાઈ હાથ-પગ જોડીને મનાવવા જાતો કે ભઈ તું આવી જા. તે જે કર્યું એ હું તને તો પણ એક્સેપ્ટ કરવા તૈયાર છું. એની પત્ની ઈ ઓલો એનો પ્રેમી, અન્ય બે મહિલા, આ ત્રણેય થઈને એક એણે જ આ બધું કરાવ્યું છે. આ ચારેય થઈને મારા ભાઈનો જીવ લીધો છે. મૃતકની બહેને વધુમાં કહ્યું કે, કેટલુંય સોનું લઈને ગઈ છે, પ્રોપર્ટીના કાગળિયા, 5 લાખ રૂપિયા, બધુંય લઈને વઈ ગઈ હતી અને આ ત્રણેયને એના પૈસા ખાવા હતાને એટલે એને જવા જ નહોતા દેતા. એના પતિના ઘરે જાવા જ નહોતી દેતા. મારા ભાઈને 20 વર્ષનો છોકરો છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
રાજકોટમાં પતિનું પત્ની પર ફાયરિંગ કેસનાં CCTV:પતિ પત્નીનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવ્યો, ઝપાઝપી બાદ પતિએ ફાયરિંગ કરી પોતાને લમણે ગોળી ધરબી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
