
વિંછીયાના અમરાપર ગામે LCB ટીમનો દરોડો : રાજસ્થાનથી દારૂનું લિક્વિડ મંગાવીને અડધું પાણી મિક્સ કરી વેચતા હતા : 4 સાગરીતોની ધરપકડ, સુત્રધાર પુત્ર ફરાર
રાજકોટ,જસદણ, : રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના પીપરડી(વિંછીયા) બેઠકના ભાજપના મહિલા સદસ્યની વિંછીયાના અમરાપર ગામની સીમમાં આવેલી વાડીમાં એલસીબી ટીમે દરોડો પાડીને નકલી અંગ્રેજી દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે. અહીંથી પોલીસે બે કિશોર સહિત કુલ ચાર ઈસમોને ઝડપી લીધા હતા, જ્યારે સૂત્રધાર મનાતો ભાજપ આગેવાનનો પુત્ર નાસી છૂટતા શોધખોળ હાથ ધરી હતી.
રાજકોટ રૂરલ એલસીબી ટીમને આજે સવારે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં નકલી ઈંગ્લિશ દારૂ બનાવવામાં આવી રહ્યો છે. જેના આધારે તપાસ કરતા અમરાપુરના સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડી સુધી પગેરૂ નીકળ્યું હતું.
