રાજકોટ મનપાનો 52મો સ્થાપના દિવસ:સ્થાપના સમયે 10 કરોડનું બજેટ આજે 3118 કરોડે પહોંચ્યું, છેલ્લા બે દાયકામાં મિલ્કતમાં ત્રણ ગણો વધારો થયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

દેશ અને દુનિયામાં જાણીતું શહેર એટલે રાજકોટ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજનીતિની વાત હોય કે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસની વાત હોય દરેક ક્ષેત્રમાં રાજકોટનું આગવું મહત્વ સમાયેલું છે. રાજકોટ શહેરનો ચારેય તરફ દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. 19 નવેમ્બર 1973 એટલે રાજકોટ મહાનગ પાલિકાનો સ્થાપના દિવસ છે. વર્ષ 1973થી ફેબ્રુઆરી 1974 સુધી અને 2000થી 2005 ને બાદ કરતા આજ દિવસ સુધી રાજકોટ મનપામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. સ્થાપના સમયે 10 કરોડનું બજેટ આજે વર્ષ 2025-26માં 3118 કરોડ પહોંચ્યું છે બીજી તરફ વિસ્તારની દ્રષ્ટિએ 3 કિલોમીટરનું રાજકોટ આજે 30 કિલોમીટર સુધી ફેલાઈ ગયું છે અને તેમાં પણ છેલ્લા બે દાયકામાં 2 લાખ મિલ્કત વધીને 6 લાખ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત રાજકોટની સફર આરોગ્ય કેન્દ્રથી એઇમ્સ સુધી, રેસકોર્સથી ન્યુ રેસકોર્સ સુધી, પ્રદ્યુમન પાર્ક ઝૂથી લાયન સફારી પાર્ક સુધી અને મારુતીથી મર્સીડીઝ સુધી સફર પહોંચી છે. ત્યારે આવો જાણીએ રાજકોટ મનપાના 52માં સ્થાપના દિવસે વિકસિત રાજકોટની જાણી અજાણી વાતો. 19 નવેમ્બર 1973ના દિવસે રાજકોટ મહાનગર પાલિકાની સ્થાપના
રાજકોટ મહાનગર પાલિકાના વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરએ દિવ્યભાસ્કર સાથ ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 19 નવેમ્બર 1973ના દિવસે રાજકોટ મહાનગર પાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. આજે 19 નવેમ્બરના રોજ રાજકોટ મનપાનો 52મોં સ્થાપના દિવસ છે. આ એ રાજકોટ છે જેને ખુબ જ સંઘર્ષ કર્યો છે. 2000થી 2005ના 5 વર્ષને બાદ કરતા બાકીના તમામ વર્ષોમાં રાજકોટ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે. અમારી ભારતીય જનતા પાર્ટી માટે આ સતા નહિ પરંતુ સેવાનું માધ્યમ છે. સ્થાપના સમયે મનપાનું બજેટ 10.78 કરોડનું હતું જે આજે 2025-26ના નાણાકીય વર્ષમાં 3118.08 કરોડ પહોંચ્યું છે. આ વિકાસ પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાના વિકાસમાં સ્વ. ચીમનભાઈ શુક્લ, સ્વ. અરવિંદભાઈ મણિયાર, સ્વ. વિજયભાઈ રૂપાણી, સ્વ. કેશુભાઈ પટેલ અને વજુભાઇ વાળા સાહેબ જેવા અમારા વડીલો આગેવાનોનો સિંહ ફાળો રહ્યો છે. છેલ્લા બે દાયકાની અંદર શહેરમાં 2 લાખની મિલ્કત વધીને 6 લાખને પાર
રાજકોટ શહેર નગરપાલિકામાંથી મહાનગર પાલિકામાં 1973માં સમાવેશ થયું ત્યારે માત્ર 3 કિલોમીટરનું રાજકોટ શહેર હતું આજે 30થી 40 કિલોમીટરનો વિસ્તાર વિકસી ગયો છે. સ્થાપના સમયે મિલકતોમાં ખુબ ઓછા ઇમારતો હતા આજે ખુબ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. છેલ્લા બે દાયકાની અંદર શહેરમાં 2 લાખની મિલ્કત વધીને 6 લાખને પાર કરી ચુકી છે. રાજકોટ મનપાએ દેશની અગ્રેસર મહાનગર પાલિકામાંની એક મહાનગરપાલિકા છે. આજે રાજકોટ મનપામાં ચારેય દિશામાં સમાંતર વિકાસ થઇ રહ્યો છે. આજ દિવસ સુધી 3 ઝોનમાં રહેલ રાજકોટ આવતા દિવસોમાં ચાર ઝોનમાં કાર્યરત થઇ જશે આ માટે નવી કચેરી 45 કરોડના ખર્ચે બનાવવાની પ્રક્રિયા પણ આ વર્ષના બજેટમાં આવરી લેવામાં આવી છે. તમામ 18 વોર્ડની અંદર સ્માર્ટ વોર્ડ ઓફિસ છે, તમામ 18 વોર્ડમાં સારામાં સારું આધુનિક ખાનગી ક્લિનિક જેવું આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ છે કે જ્યાં બીપી, ડાયાબિટીસથી લઇ હ્ર્દયના રિપોર્ટ પણ આરોગ્ય કેન્દ્રમાં કરી દેવમાં આવે છે. એટલું જ નહિ રાજકોટના વિકાસમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો પૂરતો સહયોગ રહ્યો છે જેના કારણે આજે રાજકોટ શહેરનો ચારેય દિશામાં વિકાસ થઇ રહ્યો છે. એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ રાજકોટમાં
રાજકોટ શહેર તમામ ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યું છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે આરોગ્ય ક્ષેત્ર. એક સમયે આરોગ્ય કેન્દ્રની સુવિધાસ હતી જે વધીને આગળ સરકારી હોસ્પિટલ અને મોટી મોટી ખાનગી હોસ્પિટલ સુધી તો પહોંચી પરંતુ તેન સાથે સાથે આજે આરોગ્ય લેવલે વિકાસ આરોગ્ય કેન્દ્રથી એઇમ્સ સુધી પહોંચી ગયો છે. રાજકોટ જામનગર રોડ પર ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ રાજકોટમાં થયું છે જેનો લાભ રાજકોટ સૌરાષ્ટ્ર ઉપરાંત આખાએ રાજ્યને ચોક્કસ મળવાનો છે. અને હા માત્ર દર્દીઓ જ નહિ પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ તબીબ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ આ એક મોટી સિદ્ધિ ચોક્કસ માનવામાં આવે છે. હરવા ફરવા માટે અટલ સરોવર, ન્યુ રેસકોર્સ, પ્રદ્યુમન પાર્ક ઝૂ, ઈશ્વરીયા પાર્ક…
એક સમયે રાજકોટ શહેરમાં ફરવા લાયક સ્થળોની અંદર એક માત્ર રેસકોર્સનો સમાવેશ થતો હતો જેની સામે આજે રાજકોટ શહેરમાં હરવા ફરવા માટે અટલ સરોવર, ન્યુ રેસકોર્સ, પ્રદ્યુમન પાર્ક ઝૂ, ઈશ્વરીયા પાર્ક, ગાંધી મ્યુઝિયમ, આજીડેમ સાઈડ, ન્યારી ડેમ સાઈડ, રામવન અને લાયન સફારી પાર્કનો સમાવેશ થાય છે જેની કામગીરી હાલ ચાલુમાં છે અને આવતા એક વર્ષની અંદર તે પણ શરૂ થતા પ્રવાસીઓને સાસણ સુધી સિંહ જોવા જવા જરૂર નહિ પડે અને રાજકોટમાં જ સિંહ દર્શનનો લાભ લઇ શકશે. કેસરે હિંદ પુલ રાજકોટનો સૌથી જૂનો પુલ
આ તરફ બ્રિજની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં માત્ર કેસરે હિન્દ પુલ અને સાંઢિયો પુલ બે જ પુલ હતા. કેસરે હિંદ પુલ રાજકોટનો સૌથી જૂનો પુલ છે. 1993-84 દરમિયાન તેને પહોળો કરવામાં આવ્યો હતો. પુલના પુનઃ નિર્માણ ખર્ચની વસૂલાત માટે શહેરી વિસ્તાર માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત કેસરે-હિંદ પુલ ઉપર ટોલ ટેક્સની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી તે જ સમયે ચંપકભાઈ વોરા બ્રિજ બનાવવામાં આવ્યો અને તેમાં પણ ટોલટેક્સ વસૂલાત શરૂ કરવામાં આવી હતી. જો કે, બાદમાં એ વસૂલાત બંધ કરી દેવામાં આવી હતી. સમયાંતરે શહેરમાં નવા બ્રિજોનું નિર્માણ થયું જેમાં મહિલા કોલેજ અંડરબ્રિજ, સ્વામી વિવેકાનંદ ટ્રાય એન્ગલ બ્રિજ, ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ, કેકેવી ચોક ઓવરબ્રિજ, ગોંડલ રોડ બ્રિજ, ભગવતીપરા બ્રિજ, રૈયા ચોક બ્રિજ, રામાપીર ચોક બ્રિજ, મવડી ઓવરબ્રિજ, રેલનગર અંડરબ્રિજ, આમ્રપાલી અંડરબ્રિજ, લક્ષ્મીનગર અન્ડર બ્રિજ, જડુસ બ્રિજ, માધાપર ચોકડી બ્રિજ, ગોંડલ ચોકડી બ્રિજ, કેકેવી મલ્ટીલેયર બ્રિજ (શ્રી રામ બ્રિજ), વગેરેનો સમાવેશ થાય છે. જયારે હાલમાં કટારિયા ચોક ખાતે સિગ્નેચર બ્રિજની કામગીરી ચાલુમાં છે. લોકનિયુક્ત પ્રતિનિધિઓની સંખ્યા 40 થઈ
1949-50માં જ્યારે રાજકોટમાં બરો મ્યુનિસિપાલિટીની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓની કુલ સંખ્યા 35 હતી, જે પૈકી 2 બેઠકો મહિલાઓ માટે તેમજ 2 બેઠકો પછાત વર્ગના લોકો માટે અનામત રાખવામાં આવી હતી. એ સમયે સમગ્ર શહેર કુલ 10 વોર્ડમાં વિભાજીત હતું. આ પછી 1960માં ગુજરાત રાજ્યની રચનાના કારણે રાજકોટ શહેરનું રાજકીય મહત્વ વધ્યું જો કે, તેનાથી શહેરની આર્થિક સદ્ધરતા અને વિકાસમાં વિશેષ ફેર પડ્યો ન હતો. 1964-65માં બરો મ્યુનિસિપાલિટીનું રાજકોટ પાલિકામાં રૂપાંતર થયું અને લોકનિયુક્ત પ્રતિનિધિઓની સંખ્યા 40 થઈ હતી. 18 વોર્ડમાં કુલ 72 કોર્પોરેટરો થયા
જયારે તા.19 નવેમ્બર 1973ના રોજ રાજકોટ પાલિકાનું મહાપાલિકામાં રૂપાંતર કરાયું અને શહેરનો વહીવટ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીપીએમસી) એક્ટ 1949ના નવા કાયદા હેઠળ મૂકવામાં આવ્યો હતો ત્યારે 69 ચો.કિ.મી.નું ક્ષેત્રફળ ધરાવતા આ શહેરને કુલ 18 વોર્ડમાં વિભાજીત કરવામાં આવ્યું હતું અને સભાસદોની સંખ્યા 51 નક્કી કરવામાં આવી હતી જેમાં બે સીટ પછાત જ્ઞાતિ માટે અનામત રાખવામાં આવી હતી. તમામ વોર્ડમાં સભાસદોની સંખ્યા નક્કી ન હતી. આ પછી 1995માં મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઈ એ પહેલા રાજકોટની નવી વોર્ડ રચના અમલી બની જે પ્રમાણે 20 વોર્ડ રચાયાં, જેમાં પ્રત્યેક વોર્ડમાં 3-3 કોર્પોરેટરોની સંખ્યા નક્કી કરવામાં આવી હતી. આ પછી 2015માં રાજ્ય સરકારે રાજકોટની હદનું વિસ્તરણ કર્યુ અને નવા વોર્ડ સીમાંકનમાં 23 વોર્ડની સંખ્યા ઘટાડીને 18 કરવામાં આવી ત્યારે વોર્ડ દીઠ 4-4 કોર્પોરેટરો નક્કી કરવામાં આવતા કુલ 72 કોર્પોરેટરો થયાં. ઉલ્લેખનીય છે કે પાછલી વર્ષ 2021ની યોજાયેલી રાજકોટ મહાપાલિકાની 18 વોર્ડની ચૂંટણીમાં ભાજપને 68 અને કોંગ્રેસને 4 બેઠકો પ્રાપ્ત હતી. રાજકોટને ઇન્ટરનેશનલ કક્ષાએ ઓળખ મળી છે
રંગીલા રાજકોટની જનતા હરવા ફરવા અને ખાવા પીવાની શોખીન છે એ વાતની સાબિતી પણ ચોક્કસ મળી રહે છે કારણ કે એક સમયના પ્રખ્યાત ગાંઠિયા જલેબીથી આજે હોટ ફેવરિટ છે જ પરંતુ તેની સાથે સાથે ખાવા પીવા માટે નેશનલ ઇન્ટરનૅશન બ્રાન્ડના આઉટલેટ પણ રાજકોટમાં કાર્યરત થઇ ગયા છે. એક સમયે વાહન ખરીદી માટે માત્ર જયુબેલી ચોક અને પ્રમુખ સ્વામી આર્કેડ પ્રખ્યાત હતું આજે શહેરની ચારેય દિશામાં ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરની દરેક બ્રાન્ડ એટલે કે મારુતિથી મર્સીડીઝ સુધી તમામ કંપનીના શોરૂમ રાજકોટમાં ઉપલબ્ધ છે. અને હા આંતરરાષ્ટ્રીય લેવલની વાત આવે તો રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમને પણ ભૂલી ન શકાય કારણ કે ઇન્ટરનેશનલ કક્ષાની મેચો રાજકોટના આ સ્ટેડિયમમાં રમાઈ ચુકી છે જેના કારણે પણ રાજકોટને ઇન્ટરનેશનલ કક્ષાએ ઓળખ ચોક્કસ મળી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *