નવસારી શહેરમાં મધરાતે એક વાગ્યાને 37 મિનિટે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. ફોક્સવેગન કાર લઇને નીકળેલા ચાર મિત્રોએ રસ્તા વચ્ચે અચાનક આવેલા શ્વાનને બચાવવા જતા સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર મોલના પ્રેવશદ્વાર પાસે આવેલા થાંભલાને અથડાતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ સગીરોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કાળજુ કંપાવી દેતી આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. આંખના પલકારામાં કારનો ભુક્કો બોલી ગયો
સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, નવસારી શહેરમાં આવેલા સેન્ટ્રલ મોલ આગળ મધરાતે સન્નાટો હોય છે. આ દરમિયાન રાત્રે એક વાગ્યાને 37 મિનિટે પુરઝડપે આવેલી ફોક્સવેગન કાર મોલના પ્રવેશદ્વાર આગળના થાંભલાને ધડાકાભેર અથડાય છે. આ ટક્કર એટલી ભયંકર જોવા મળે છે કે ભલભલાના છાતીના પાટિયા બેસી જાય. આ ટક્કરમાં કારનો ભુક્કો બોલી જાય છે. થોડીવાર પછી ડ્રાઇવર સીટનો દરવાજો ખુલે છે અને યુવક બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. યુવકે મદદની પોકાર કરી પણ કોઇ આવ્યું નહીં
સીસીટીવીમાં જોવા મળે છે કે, યુવક બહાર નીકળવાનો પ્રયાસ કરે છે એ દરમિયાન મોલમાંથી કોઇ બહાર આવતું દેખાય છે પણ એ વ્યક્તિ કોઇ મદદ કર્યા વગર કારને જોઇને પાછો મોલમાં જતો રહે છે. આ બાદ યુવક માંડ માંડ કરીને કારમાંથી બહાર નીકળે છે અને માંડ કરીને હાઇવે પર જઇને મદદની પોકાર કરે છે, પરંતું સુમસાન રસ્તા પર કોઇ તેની મદદ નથી કરતું. બાદમાં તે યુવક રોડ પર જ બેસી જાય છે અને હાથ ઉંચા કરીને મદદની પોકાર કરતો જોવા મળે છે. રસ્તા પર અચાનક શ્વાન આવ્યોને કાર ભટકાઇ
કાળજુ કંપાવી દેતી ઘટના અંગે મળતી માહિતી મુજબ પ્રદિપ સુથાર અને તેના ત્રણ સગીર મિત્રો રાત્રે કાર લઇને નીકળ્યા હતા એ દરમિયાન રસ્તા પર અચાન શ્વાન આવી જતાં તેને બચાવવા માટે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન કાર મોલના પ્રવેશદ્વાર આગળ આવેલા થાંભલાને ભટકાઇ હતી. એકનું ઘટનાસ્થળે મોત, ત્રણ ઘાયલ
આ અકસ્માતમાં ડ્રાઇવર સીટની બાજુની સીટમાં બેઠેલા પ્રદિપ સુથારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ સગીરોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ મધરાતે નવસારી ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
રાતના 1.37 વાગ્યાનાં ભયંકર દૃશ્યો: VIDEO:ચાર મિત્રો ફોક્સવેગન લઈ નીકળ્યા; અચાનક સામે શ્વાન આવી જતાં બેલેન્સ ગુમાવ્યું; સેકન્ડમાં જ કારનો ભુક્કો, એકનું મોત
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
